જાન્યુઆરીથી ભારતમાં શરૂ થશે વૅક્સીનેશન
નવી દિલ્હી, ભારતમાં કોરોના વૅક્સીનેશનની શરૂઆત આગામી વર્ષે જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે અને ઓક્ટોબર સુધીમાં દેશના દરેક નાગરિકને વૅક્સીનનો ડોઝ મળી શકે છે. આ દાવો સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા (SII)ના CEO અદાર પૂનાવાલાએ કર્યો છે. તેમનું કહેવું છે કે, તેમની કંપનીને આ મહિનાના અંત સુધી વૅક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે.
SIIના CEO પૂનાવાલાએ કહ્યું કે, અમને આશા છે કે, ઓક્ટોબર 2021 સુધી ભારતમાં દરેકનું વૅક્સીનેશન થઈ જશે. જે બાદ જનજીવન ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ શકે છે. આ મહિનાના અંત સુધી અમને ઈમરજન્સી લાઈસન્સ મળી શકે છે, પરંતુ વ્યાપક ઉપયોગ માટે લાઈસન્સ પાછળથી મળી શકે છે.
પૂનાવાલાએ કહ્યું કે, અમને વિશ્વાસ છે કે ભારતમાં વૅક્સીનેશન અભિયાન જાન્યુઆરી 2021 સુધીમાં શરૂ થઈ શકે છે. આગામી વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી આશા છે કે, દરેક માટે પૂરતી વૅક્સીન હશે અને સામાન્ય જીવન ફરીથી પાટા પર આવશે.