જાન સુરત પહોંચે તે પહેલાં બસને અકસ્માત :૩નાં મોત
તાપી: દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૫૩ આજે લોહિયાળ બન્યો છે. વ્યારા બાજીપૂરા નેશનલ હાઇવે નંબર ૫૩ પર વહેલીસવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બસ અને ટેન્કર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણ મુસાફરોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે.
તો ૭ મુસાફરો ઘાયલ થયા છે. જાેકે, જે બસને અકસ્માત થયો છે તેમાં જાનૈયાઓ હતા. માલેગાંવથી સુરત જાન જઈ રહી હતી. જેને અકસ્માત નડ્યો હતો. જ્યાં લગ્નના ગીત ગવાય તે પહેલા જ માલેગાંવથી નીકળેલી જાનને અકસ્માત નડ્યો છે. માલેગાંવથી સુરત જાન લઈને જતી તાજ ટ્રાવેલની ખાનગી બસને અકસ્માત નડ્યો છે.
ખાનગી બસ ટેન્કરની પછાડી ઘૂસી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણમા બસ ટેન્કર સાથે અથડાઈ હતી. માલેગાંવથી નીકળેલી જાન સુરતના મીઠાખડી વિસ્તારમાં લગ્ન માટે પહોંચવાની હતા. જાન પહોંચે તે પહેલા જ બસને તાપી પાસે અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસના ચાલકની ભૂલને કારણે અકસ્માત સર્જાયો હતો. ચાલકે બસ ટેન્કર સાથે અથડાવી હતી. જેમાં ૩ જાનૈયાના મોત નિપજ્યા છે. જેમાં એક મહિલા અને બે પુરુષ સામેલ છે.
બસમાં ૪૦ જાનૈયા સવાર હતા. જેમાંથી ૭ જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા છે. તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માત એટલો વિચિત્ર હતો કે, બસની આગળના ભાગનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. બધા પૂરજા બહાર નીકળી આવ્યા હતા. જેથી આ અકસ્માત કેટલો ગમ્ખવાર હશે તે સમજી શકાય.