જાપાનની સોની કંપની અને અમદાવાદના પગરખાંના દુકાન માલિક વચ્ચે ટ્રેડમાર્કનો જંગ
(એજન્સી) અમદાવાદ, જાપાનની મલ્ટિનેશનલ SONI કોર્પોરેશન અને અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તાર પાસે પગરખાની દુકાનના માલિક વચ્ચે છેલ્લા બે દાયકાથી સોની ટ્રેડમાર્ક હકના મુદા પર કાયદાકીય જંગ ચાલી રહ્યો છે. SONI કંપની દ્વારા અમદાવાદના આ દુકાનદાર સામે માર્ચ-૧૯૯૯માં ટ્રેડમાર્ક સ્યુટ કરેલી છે કે, તેણે તેમના ટ્રેડમાર્ક હકનો ભંગ કરેલો છે.
જૂના અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તાર પાસે રહેલી પગરખાની આ દુકાનનુ નામ ‘SONI FOOTWEAR” છે. આ કેસ છેલ્લા બે દાયકાથી પડતર છે અને ફરી એકવાર સુનાવણી માટે લિસ્ટ થયો હતો. અરજદાર કંપનીના વકીલની રજુઆત હતી કે, સોની તેનો રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક છે અને આ ટ્રેડમાર્ક હેઠળ તે વિશ્વભરમાં વેપાર કરી રહ્યું છે.
સમગ્ર વિશ્વમાં તેની એક આગવી ઓળખ અને શાખ છે. પગરખાની દુકાનના માલિક ટ્રેડ માર્ક એકટની વિવિધ કલમનો ભંગ કરે છે. અરજદારની માગ છે કે, દુકાન માલિકને સોની ફુટવેરના ટ્રેડમાર્ક સાથે વેપાર કરવા પર રોક લગાવો.
બીજી તરફ, પગરખાની દુકાનના માલિકના વકીલની રજુઆત હતી કે, જાપાનની SONI કંપની દ્વારા આ ટ્રેડમાર્ક સ્યુટ કરવામાં આવેલી છે. પરંતુ તે પગરખાના વ્યવસાય સાથે સંકળાયેલી જ નથી. ગુજરાતમાં SONI એક સામાન્ય નામ છે. હવે આ નામનો કોઈ દુકાન માલિક ઉપયોગ કરે તો તેમાં ટ્રેડમાર્કના હકના ભંગની કોઈ બાબત જ આવતી નથી.
કંપની કહે છે કે, તેમના ટ્રેડમાર્કના હકનો ભંગ કરાયો છે, પરંતુ ભારતમાં તો એક સમુદાયના લોકોની અટક સોની હોય છે. પગરખાના માલિક દ્વારા તેમની દુકાન પર એક ડિસ્પ્લે બોર્ડ મુકેલું છે. જેમાં સોની શબ્દનો ઉપયોગ કરાયો છે. ગુજરાતમાં ઘરેણા બનાવવાનું કામ કરનારા લોકોની અટક સોની હોય છે. આ અરજી પરની વધુ સુનાવણી જુલાઈ માસમાં હાથ ધરાશે.