લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં પાર્કિંગના ભાવ નક્કી કરવામાં આવ્યા
અમદાવાદ, અમદાવાદ મ્યુ.કોર્પાે.દ્વારા લો-ગાર્ડન વિસ્તારમાં હેપ્પી સ્ટ્રીટ ડેવલોપ કરવામાં આવી છે. જેમાં લો-ગાર્ડનના જૂના ખાણીપીણી બજારને હેરીટેજ ઓપ આપીને તૈયાર કરવામાં આવેલ હેપ્પી સ્ટ્રીટમાં દીવસ દરમ્યાન બંને તરફ અને રાત્રે એક તરફ પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં વાહન પાર્ક કરવાના ભાવ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નક્કી કરવામાં આવ્યાં છે. મ્યુનિ.સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અમૂલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ, લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ પ્લાઝામાં દિવસ દરમ્યાન ૪૪૬ ટુ-વ્હીલરો અને ૩૫ ફોર વ્હીલરો પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા રહેશે.
જ્યારે રાત્રિના સમયે ખાણીપીણી બજારનાં કારણે એકતરફ પાર્કિંગ વ્યવસ્થા આપવામાં આવી છે. જેમાં ૨૧૨ ટુ વ્હીલરો અને ૨૧ ફોર વ્હીલરોની સુવિધા ઉપલબ્ધ રહેશે. સદર જગ્યાએ નાગરિકો અને વાહનોની અવર જવરને ધ્યાનમાં રાખી પાર્કિંગ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે. તે અપૂરતી લાગતી હોય વૈકલ્પિક વ્યવસ્થાનાં ભાગરૂપે ૫૦૦ મીટરની ત્રિજ્યામાં ઓન સ્ટ્રીટ પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવશે. હેપ્પી સ્ટ્રીટ પ્લાઝામાં વાહન પાર્કિંગ માટે દિવસ દરમ્યાન સવારે ૮-૩૦થી સાંજના ૪-૦૦ વાગ્યા સુધી દ્વિચક્રી વાહન માટે પ્રતિકલાક રૂ.૧૦ અને ફોર વ્હીલર માટે પ્રતિ કલાક રૂ.૩૦ના ભાવ નક્કી કરવામાં આવ્યાં છે. જ્યારે રાત્રિના સમય માટે સાંજે ૪-૦૦ વાગ્યાથી બીજે દિવસ સવારે ૫-૦૦ વાગ્યા સુધી દ્વિચક્રી વાહન માટે રૂ.૨૦ અને ફોર વ્હીલર માટે રૂ.૫૦ નક્કી કરવામાં આવ્યાં છે.