જામનગરથી પાઉડર ભરીને વાપી જતી ટ્રકને અકસ્માત
આમોદ સ્ટેટ હાઈવે ઉપર પડેલા મોટા ખાડાથી બચવા સર્વિસ રોડ ઉપર પાઉડર ભરેલી ગાડી પલ્ટી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, આમોદ સ્ટેટ હાઈવે ઉપર મલ્લા તળાવથી બત્રીસી નાળા સુધી ૧૩ કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો.જેમાં મોટાપાયે ઈજનેર તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા ખાયકી કરવામાં આવતા દોઢ વર્ષમાં જ રોડ બિસ્માર બન્યો હતો અને મસમોટા ખાડા પડી ગયા હતા.જેથી સ્ટેટ હાઈવે વાહનચાલકો માટે માથાનો દુખાવો સમાન બની ગયો હતો.આજ રોજ સવારે સ્ટેટ હાઈવે ઉપર પડેલા મસમોટા ખાડાથી બચવા જામનગર થી વાપી તરફ જતી પાઉડર ભરેલી ટ્રક ડ્રાઈવરે સર્વિસ રોડ ઉપર કાઢતા તે પલટી મારી ગઈ હતી.જો કે સદ્દનસીબે કોઈ જાનહાની થઈ નહોતી
પરંતુ ડ્રાઈવર તથા કંડકટરને ઈજાઓ પહોંચતા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લેવાની ફરજ પડી હતી. આમોદ સ્ટેટ હાઈવે ઉપર તેર કરોડના ખર્ચે બનેલા રોડ માત્ર દોઢ વર્ષમાં જ તકલાદી બની જતા અનેક ભારદારી વાહનો ફસાવવાના બનાવો બનતા રહે છે તેમજ અનેક નાના વાહનોને પણ નુકશાન થઈ રહ્યું છે.
આજરોજ આમોદ સ્ટેટ હાઈવે ઉપર જામનગર થી વાપી જતી પાઉડર ભરેલી ટ્રકના ડ્રાઈવર ઈબ્રાહીમ અબુ શેખ રહે જામનગરનાએ મસમોટા ખાડાઓથી બચવા માટે સર્વિસ રોડ ઉપર કાઢી હતી.જે કોન્ટ્રાક્ટરે બનાવેલા સર્વિસ રોડ પણ બિસ્માર બની જતા ટ્રક પલટી મારી ગઈ હતી.સદ્દનસીબે કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ ડ્રાઈવર તેમજ કંડક્ટરને ઈજા થતાં તેમણે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લેવાની ફરજ પડી હતી.
આમોદ સ્ટેટ હાઇવે ઉપર પડેલા મસમોટા ખાડા જાણે : નાના તળાવ બનાવ્યા હોય તેટલા ઊંડા અને પહોળા. આમોદ સ્ટેટ હાઇવે ઉપર રૂપિયા તેર કરોડની માતબર રકમથી મલ્લા તળાવથી બત્રીસી નાળા સુધી રોડ બનાવવામાં આવ્યો છે
તેમજ તેની બાજુમાં સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યો છે.જે સર્વિસ રોડ ઉપર આવેલી ગટરો પણ અનેક વખત તૂટી ગઈ છે.ઉપરાંત સ્ટેટ હાઈવે ઉપર મુખ્ય રોડ ભારદારી વાહનનોની અવરજવરને કારણે નાના તળાવો બન્યા હોય તેમ મસમોટા ઊંડા અને પહોળા ખાડા પડી ગયા હતા.જેથી ભારદારી વાહનો માટે સ્ટેટ હાઇવેનો મુખ્ય રોડ જોખમરૂપ બન્યો છે. આ ઉપરાંત બાજુમાં આવેલ સર્વિસ રોડ પણ બિસ્માર બનતા વાહનચાલકો પરેશાન બની ગયા છે.