જામનગરના આંગણે યોજાયો “પંડિત આદિત્યરામજી શાસ્ત્રીય સંગીત સમારોહ”
જામનગર, છોટીકાશી જામનગરના આંગણે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી – ગાંધીનગર અને પં. આદિત્યરામજી સંગીત સેવા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન જામનગર ખાતે તાજેતરમાં ‘પંડિત આદિત્યરામજી શાસ્ત્રીય સંગીત સમારોહ’ નુ જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનાં પ્રારંભે મોટી હવેલીના પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વલ્લભરાયજી મહોદયના આર્શિવચનો સાથે શહેરનાં પ્રથમ નાગરિક અને મેયર – શ્રી બીનાબેન કોઠારી , ભાજપ શહેર પૂર્વ અધ્યક્ષ શ્રી હસમુખભાઈ હિંડોચા, એડવોકેટ શ્રી દિનેશભાઇ પંડયા, તથા સાંસદ શ્રી પુનમબેન માડમનાં પ્રતિનિધિ તરીકે પધારેલા શ્રી કરસનભાઈ વગેરેના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતુ.
મોટી હવેલી ના પૂજ્યપાદ વલ્લભરાયજી મહોદયશ્રી એ આર્શિવચનોમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા પં. આદિત્ય રામજી સંગીત સેવા સંસ્થાનને ભારતની મૂળભૂત સંસ્કૃતિ- ભારતીય સંગીત અને આદિત્ય રામજી ઘરાનાના સંગીતના સંવર્ધન અને પ્રચાર-પ્રસારના આ ભગીરથ કાર્ય બદલ સરાહના કરી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
તેમજ અનિવાર્ય કારણો સર કાર્યક્રમ માં પોતાની અન ઉપસ્થિતિમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારા મોકલવામાં આવેલ શુભેચ્છા સંદેશ નું વાંચન કરવા માં આવ્યું હતું. ઉપરાંત તાજેતરમાં જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘હલકી ફુલકી’ ના પ્રોડ્યુસર તેમજ પ્લેબેક સિંગર શ્રી શત્રુઘ્ન સિંહ સોલંકીએ થોડા સમય માટે ઉપસ્થિત રહી સંગીત નાટક અકાદમી ને “પં આદિત્યરામજી શાસ્ત્રીય સંગીત સમારોહ’નાં આયોજન બદલ ખાસ શુભેચ્છા પાઠવી હતી.