જામનગરના ડોન જયેશને હથિયાર આપનારો જબ્બે
અમદાવાદ: ગુજરાત એટીએસ અને જામનગર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બુધવારે મોડી રાત્રે મધ્ય પ્રદેશના બલવીરસિંહ પટવા ઉર્ફે બલ્લુને પકડી લેવામાં આવ્યો છે. બલ્લુ જામનગરના જયેશ પટેલ ઉર્ફે જયેશ રાણપ્રિયાને હથિયાર સપ્લાય કરનારો મુખ્ય વ્યક્તિ હતો. બલ્લુએ એટીએસ સામે કબૂલ્યું હતું કે તેણે ગુજરાતના ખરીદદારોને ૧૦૦થી વધુ નાના હથિયારો સપ્લાય કર્યા છે. એટીએસના સૂત્રો મુજબ, ૨૦૧૯માં જયેશ પટેલે ઈકબાલ ઉર્ફે ભાઠિયાને રાજાણી પ્રોફેસરની હત્યા કરીને ૧ કરોડની ખંડણી માગવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
એટીએસના તપાસ અધિકારીઓ મુજબ, રાજાણીની હત્યા માટે જયેશને પિસ્તોલ અને પાંચ રાઉન્ડ દારૂગોળો આપનારો બલ્લુ હતો. ઈકબાલની બાદમાં ધરપકડ કરાઈ હતી, જ્યારે જયેશ હજુ ફરાર છે. એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ કહ્યું કે, તેમને બાતમી મળી હતી કે બલ્લુ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાનો વતની છે. શુક્લા કહે છે, અમે જામનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા એટીએસની ખાસ ટીમ બનાવી અને ધાર માટે તેમને રવાના કરી. અમે પહેલા તેના ઘરને ઘેરી લીધું અને તેને આત્મસમર્પણ કરવા માટે કહ્યું, તેનું ઘર તમામ બાજુએથી પોલીસ દ્વારા ઘેરાયેલું જોઈને તેણે આત્મસમર્પણ કર્યું હતું. તપાસ અધિકારીએ કહ્યું,
આરોપીએ સ્વીકાર્યું છે કે તેણે અમદાવાદ શહેર, રાજકોટ શહેર અને મોરબી શહેરમાં હથિયારો સપ્લાય કર્યા હતા. તેની વિરુદ્ધ આ પહેલા પણ ગુનાઓ નોંધાયા છે અને ગુજરાત એટીએસ દ્વારા તેની એકવાર ધરપકડ પણ કરવામાં આવી હતી. એટીએસના અધિકારીએ જણાવ્યું કે, બલ્લુ હજુ પણ ભાગેડુ જયેશના સંપર્કમાં છે. અમે જયેશને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૨૦૧૭માં પણ પકડવામાં આવ્યો હતો જ્યારે તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે શહેરમાં ફિલ્મ જોવા માટે આવ્યો હતો.