જામનગરના સચાણાનું શિપ બ્રેકિંગ યાર્ડ ફરી ધમધમશે
જામનગર: જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી મળી ગઇ છે. સૌરાષ્ટ્રમાં વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરનું સચાણા શિપ બ્રેકિંગ માટેનું નવું નજરાણું બનશે.
જામનગર જિલ્લામાં આંતર રાષ્ટ્રીય ઘારાધોરણો મુજબનું નવું અલંગ આકાર પામશે. ગુજરાત હાઇકોર્ટની સૂચના મુજબ રચવામાં આવેલી હાઈ પાવર કમિટીએ આપેલી ભલામણોના આધારે ગુજરાત મેરી ટાઈમ બોર્ડના આ યાર્ડને પુનઃ કાર્યરત કરવા આવશે. જેના પરિણામે સચાણાનો શિપ બ્રેકિંગ યાર્ડ કાર્યરત થતા જામનગર જિલ્લા અને સચાણા આસપાસના વિસ્તારોમાં હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો મળશે.
સચાણા નાના અને મધ્યમ કદના જહાજોને બ્રેકિંગ કરવા માટે યોગ્ય સ્થળ હોવાથી તે ૧૯૭૭થી કાર્યરત હતું. પરંતું દરિયાકિનારે આવેલ જમીનના એક ભાગ દરિયાઇ અભયારણ્યની માલિકીમાં આવે કે જીએમબીની હદમાં તે બાબતે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં વન વિભાગ દ્વારા આ જમીનના દરિયાઇ અભયારણ્ય માટે હોવાનો દાવો રજૂ થયો હતો. જેના કારણે ગુજરાત હાઇકોર્ટે તા. ૧૧/૫/૨૦૧૨ ના રોજ આદેશ આપ્યો હતો કે,
જ્યાં સુધી ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય અથવા સંબંધિત મંત્રાલય અથવા સક્ષમ ઓથોરિટી દ્વારા યોગ્ય મંજૂરી મેળવવામાં નહીં આવે ત્યાં સુધી અને કોર્ટ આગળના હુકમ પસાર ન કરે ત્યાં સુધી સચાણા ખાતે જહાજ તોડવાની કોઈ પ્રવૃત્તિઓ હાથ ધરવી નહીં. આ મામલે તા.૧૯/૨/૨૦૨૦ ના હુકમ મુજબ રાજ્ય સરકારે પક્ષકારોને તેની હાઇપાવર કમિટિ સમક્ષ સાંભળવાની તક આપી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે સચાણા ખાતે ડી.એલ.આઇ.આર દ્વારા વન વિભાગ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારીઓની હાજરીમાં સચાણા ગામની હદની માપણી કરી હતી. જે અંગે હાઇપાવર કમિટિની મીટીંગમાં માપણી રીપોર્ટને રજુ કરવામાં આવ્યો હતો. જમા એવું ફલિત થયું કે, સચાણા ગામની સીમા, તથા ૨૦૧૨થી બંધ કરવામાં આવેલા આ શિપ બ્રેકિંગ પ્લોટ્સ વન વિભાગના અનામત જંગલના સેક્શન ૪ અને મરીન અભયારણ્યના હદની બહાર આવે છે.