જામનગરમાં નદી કિનારે યુવક અને યુવતીએ આત્મહત્યા કરી
જામનગર: જીવન અમુલ્ય વસ્તુ છે, પરંતુ કેટલાક લોકો શારીરિક સમસ્યા, અથવા આર્થિક મુશ્કેલીમાં તથા માનસીક પરેશાનીથી હતાશ થઈ મોત વહાલુ કરી લે છે. આવી જ એક ઘટના જામનગરથી સામે આવી છે, જેમાં એક યુવક અને યુવતીએ સજોડે આપઘાત કરી લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના રણજીતસાગર રોડ પર નદી કિનારે એક યુવક અને યુવતીની ઝાડ પર લકટી હાલતમાં લાશ મળી આવી છે. નદી કિનારેથી પસાર થતા એક વ્યક્તિએ લાસ જોતા જ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.
વિગતે ઘટના જોઈએ તો, જામનગરના લાલપુર બાયપાસ રોડ પર આશિર્વાદ-૨ નજીક આવેલ રોયલ સ્કૂલ પાસે આવેલા શુભમ એપાર્ટમેન્ટ-૩ની પાછળ નદી કાંઠે ઝાડ પર લટકીને એક યુગલે આપઘાત કરી લીધો છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા સામે આવ્યું કે, મરનાર યુવક અનિલ ધુલિયા (૨૧ વર્ષ) અને કમાબેન ભુરિયા (૨૦ વર્ષ) નામની યુવતી છે. આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે,
પરંતુ પોલીસને આશંકા છે કે, આ કોઈ પ્રેમ પ્રકરણનો મામલો હોય તેવું પ્રાથમિક નજરે લાગી રહ્યું છે. પોલીસે હાલમાં બંનેની લાશ ઝાડ પરથી ઉતારી પીએમ માટે નજીકમાં જીજી હોસ્પિટલ મોકલવામાં આવી છે. પોલીસે આપઘાતનો ગુનો નોંધી આપઘાત પાછળનું શું કારણ છે, તે દિશામાં તપાસ હાથ ધરવાની કામગીરી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે જ જુનાગઢના મધરવાડામાં એક યુવકે કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. તો હમણાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ ગામના બે ખેડૂતે પાક નિષ્ફળ જતા આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી હતી.