જામનગરમાં વૃદ્ધાને ડરાવી ધમકાવીને તેમના કિંમતી ઘરેણાં ખેંખેરી લીધા
જામનગર: જામનગરમાં ખંભાળિયા નાકા વિસ્તારથી પવનચકકી જવાના માર્ગ પર આવેલા મૂળજી જેઠા પાર્ક નજીક આજે સવારે એક વૃદ્ધાને અચાનક જ પ્રગટ થયેલા ત્રણ શખ્સે ડરાવી ધમકાવી દાગીના ઉતરાવી લીધાં હતાં અને આ શખ્સો પલકવારમાં ગાયબ થઈ ગયા હતા.આ અંગે ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલા એક મેડીકલ સ્ટોરના સંચાલકના માતા એવા ભાનુશાળી વૃદ્ધા સવારે પોતાના મૂળજી જેઠા પાર્ક સામે આવેલા રહેણાંકેથી શાક લેવા માટે નીકળ્યા હતા. શાક ખરીદ્યા પછી તે વૃદ્ધા ઘેર પરત જતાં હતાં ત્યારે તેઓની શેરી પાસે જ અચાનક ત્રણ શખ્સ આવી પહોંચ્યા હતા. મ્હોં પર માસ્ક ધારણ કરેલા આ શખ્સોએ તે વૃદ્ધાને રોકી આટલા બધાં દાગીના કેમ પહેર્યાં છે? મનાઈ છે તેમ છતાં તમે દાગીના પહેરીને કેમ નીકળ્યા છો? તેમ કહેતાં આ વૃદ્ધા થોડા ગભરાયા હતા.
તેથી તેઓના ગભરાટનો લાભ લઈ આ શખ્સોએ દાગીના ઉતારી નાખો અને ચાલો અમારી સાથે તેમ કહેતાં આ વૃદ્ધાએ શાકની થેલી ઘેર મૂકીને આવું છું તેમ કહેતાં આ શખ્સોએ ઘેર જવાની ના પાડી દાગીના ફટાફટ ઉતારી નાખો તેમ કહેતાં આ વૃદ્ધાએ તે શખ્સોના કહેવા મુજબ પોતાના હાથમાંથી અંદાજે છ એક તોલાની સોનાની બંગડીઓ અને ગળામાંથી બેએક તોલાનો સોનાનો ચેઈન કાઢયા હતા. તે દાગીના આ રૃમાલમાં રાખી દો તેમ કહી આ શખ્સો પૈકીના એકએ રૃમાલ આગળ ધરતાં હેબતાયેલા વૃદ્ધાએ પોતાના દાગીના તે રૃમાલમાં રાખ્યા હતાં.
તે પછી ઉપકાર કરતાં હોય તેમ આ શખ્સોએ જાવ શાકની થેલી ઘેર રાખી આવો તેમ કહેતાં વૃદ્ધાએ પોતાના દાગીના પણ આપી દો તો રાખતી આવું તેમ કહેતાં આ શખ્સોએ જે રૃમાલમાં તે વૃૃદ્ધાના દાગીના રખાવ્યા હતા તેવો જ બીજાે રૃમાલ, વીંટેલી હાલતમાં આપી દીધો હતો અને તે વૃદ્ધા પોતાના ઘરે પહોંચ્યા હતાંં. ત્યાં જઈ આ વૃદ્ધાએ તે રૃમાલ ખોલીને જાેતાં તેમાંથી નકલી ધાતુના દાગીના નીકળી પડતાં તેઓના શ્વાસ અધ્ધર ચઢી ગયા હતા.
આ અંગે મહિલાએ તુરંત જ પોતાના પરિવાર તથા કૌટુંંબિક સદસ્ય એવા પૂર્વ નગરસેવક મનિષ કનખરાને જાણ કરતાં પોલીસ સાથે તમામ વ્યક્તિઓ આવી પહોંચ્યા હતા. પોલીસે મામલાની ગંભીરતા પારખી તરત જ તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. પરંતુ આ શખ્સો ઝડપાયા નથી. આથી પીઆઈ એમ. જે. જલુના વડપણ હેઠળ પોલીસ સ્ટાફ તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.