જામનગરમાં ૨૫ કલાકમાં પાંચ ભૂકંપના આંચકા આવ્યા
જામનગર: જિલ્લાનાં ગ્રામ્ય પંથકોમાં છેલ્લા ૨૪ કલાકમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ છવાઇ ગયો છે. ગઈકાલે એટલે સોમવારે બપોરે ૩.૩૯ કલાકે ૨.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જે બાદ સાંજે ૬.૪૦ કલાકે ૨.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો.
સોમવારે ૦૭ઃ૩૪ કલાકે જામનગરના ગ્રામ્ય પંથકોમાં પણ ૨.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વરસાદી માહોલમાં મોડી રાત્રે ૨.૮ કલાકે ૨.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જ્યારે વહેલી સવારે પણ ૬.૧૧ કલાકે ૨.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. વારંવાર આવતા ભૂકંપના આંચકાને કારણે જામનગરના ગ્રામ્ય પંથકમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. ભૂકંપના આંચકાનો અનુભવ જામનગર પંથકના નાના થાવરિયા મતવા હડમતીયા અને કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં થયો હતો.
જેના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા. ગામજનો સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, એદકમ ભૂકંપનો આંચકો આવતા અમે બધા બાળકો અને વૃદ્ધોને લઇને ઘરની બહાર દોડી આવ્યા હતાં.
જે પણ કાંઇ કામ અમે કરતા હતા બધું જ પડતું મુકીને બહાર આવી ગયા હતા. અવારનવાર ભૂકંપનાં આંચકા આવતા અમને પણ હવે ઘણો ડર લાગે છે. સતત સૌરાષ્ટ્ર કચ્છમાં ધરા ધ્રૂજવાના બનાવો બની રહ્યાં છે. ત્યારે પાંચ દિવસ પહેલા પણ મોડી રાત્રે જામનગર અને કચ્છમાં અલગ અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છના રાપર, ખાવડા અને લાલપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
કચ્છમાં ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. તો જામનગરના લાલપુરમાં ૨.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના ખાવડાથી ૧૮ કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. અન્ય આંચકાનું કેન્દ્રબિંદુ જામનગરના લાલપુરથી ૨૮ કિમી દૂર નોંધાયું હતુ. દિવસભર હળવા વરસાદ બાદ રાત્રે વરસાદે જોર પકડતા વિજળીના કડાકા ભડાકા અને વાદળોના ગડગડાટ સાથે ઘીંગો વરસાદ ખાબકયો હતો.