Western Times News

Gujarati News

જામનગર કોરોના વાયરસની ત્રીજી લહેર પહેલાં સજ્જ

Files Photo

જામનગર: કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે જ જામનગરના સેવાભાવી યુવકોએ ડોક્ટર અને ટેકનોલોજીના તજજ્ઞોની મદદથી અનોખી તૈયારીઓ કરી છે. સામાન્ય લોકો હવે મોબાઈલથી હાઈટેક થઈ રહ્યા છે. ત્યારે જ મોબાઈલના વોટ્‌સએપ મેસેન્જરમાં અનોખી ઓટો રિસ્પોન્ડર સિસ્ટમ થકી કોરોના ના સામાન્ય લક્ષણ માં લોકોને તબીબોનું જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે અનોખી વ્યવસ્થા ઉભી કરી છે.

જામનગરમાં ૫૦ થી ૬૦ સેવાભાવી યુવાનોએ કોરોનાની બીજી લહેરમાં ડોકટર અને પેરામેડીકલ સ્ટાફ સાથે જરૂરીયાતમંદો ના ઘરે-ઘરે જઈને જરૂરી સારવાર આપી અનોખો સેવાયજ્ઞ પાર પાડયા બાદ કોરોનાની ત્રીજી લહેર માટે પણ તૈયારીઓ કરી લીધી છે. બીજી લહેરમાં લોકોને પડતી તકલીફો અને ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિને ધ્યાને લઇ જામનગરની શ્રી સ્વયં શક્તિ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના તરવરિયા સેવાભાવી યુવાનોએ જામનગરના ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ અને જાણીતા તબીબ ડો. પ્રશાંત તન્ના અને અન્ય સેવાભાવી ડોક્ટર સાથે મળી કોરોના ના લક્ષણો અને તેની કયા સ્ટેજ દરમ્યાન કેવી પરિસ્થિતિમાં તાત્કાલિક કેવી રીતે સારવાર આપવી તે માટે નું મનોમંથન કરી ટેકનોલોજીનો ઉપયોગ કરી તજજ્ઞો સાથે મળી ખાસ એક પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.

આ પાયલોટ પ્રોજેક્ટ જુદાજુદા બે સિસ્ટમ મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાંની એક સિસ્ટમ દર્દીઓને પોતાના મોબાઇલમાં જ સામાન્ય કોરોના ના લક્ષણો માં જરૂરી માર્ગદર્શન વોટ્‌સએપ મારફતે જ મળી રહે તેવી સુવિધા ઉપલબ્ધ કરવા માટેનું આયોજન કરાયું છે. આ વોટ્‌સએપમાં દર્દી ની સામાન્ય માહિતી આપવાની હોય છે ત્યારબાદ તેઓના શરીરમાં થતી અનુભૂતિ અંગે જણાવવાનું હોય છે જેના આધારે તજજ્ઞ ડોક્ટર ની સુચના અનુસાર માહિતી અને જરૂરી દવા આ અંગે માહિતગાર કરવામાં આવે છે અને તેનાથી દર્દીઓને ડોક્ટર સુધી આવવા જવાના સમયનો પણ બચાવ થાય છે.

એટલે વોટ્‌સએપ માધ્યમથી કોરોનાની ત્રીજી લહેરમાં જ્યાં બીમાર, ત્યાં સારવાર મળી રહે તે માટે અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગર જિલ્લાના ૪૦૦થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખાસ સ્થાનિક વ્યવસ્થા ઊભી કરી આ સેવાભાવીઓ દ્વારા ટેકનોલોજીની મદદથી દૂરસ્થ દર્દી દેખરેખ-નિયંત્રણ એપશીટ પણ તૈયાર કરવામાં આવી છે. કોરોના રોગની સારવાર માટે અને સંક્રમણ અટકાવવાં અળગાપણું અતિ આવશ્યક છે. જેથી દર્દી , સગાં અને ડૉક્ટર ત્રણેય અલગ રહી સુશિસ્તબદ્ધ સમન્વય કરી વૈજ્ઞાનિક સારવારથી ઈલાજ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.