જામનગર: જી.જી.હૉસ્પિટલમાં ICUની બાજુના રૂમમાં આગ: ઇકો મશિન બળી ખાખ

જામનગર, જામનગરની જી.જી.હૉસ્પિટલમાં આગ લાગી છે. મળતી માહિતી પ્રમાણે ICUની બાજુમાં રૂમમાં રહેલા એક રૂમમાં ઇકો મશીનમાં આગ લાગી છે. જે બાદમાં ફાયર બ્રિગેડ દોડી આવ્યું હતું. આગને કારણે ઇકો મશિન બળીને ખાખ થઈ ગયું છે. અહીં રાખવામાં આવેલા બેડ પણ બળીને ખાખ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ખાતે આવેલી શ્રેય હૉસ્પિટલમાં આગને કારણે આઠ કોરોના દર્દીઓના મોત થયા હતા. આ ઉપરાંત આંધ્ર પ્રદેશના વિજયવાડા ખાતે આવેલી કોવિડ હૉસ્પિટલમાં આગને કારણે 11 લોકોનાં મોત થયા હતા.
સદનસિબે આગને કારણે કોઈ જાનહાની થઈ નથી. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને જામનગર મ્યુનિસિપલ કમિશનર, જામનગર કલેક્ટર, ચીફ ફાયર ઓફિસર તેમજ રાજકીય આગેવાનો દોડી આવ્યા હતા. જી.જી. હૉસ્પિટલ જામનગરની ખૂબ જ મહત્ત્વની હૉસ્પિટલ છે. અહીં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. અહીં જ કોરોનાના દર્દીઓને પણ સારવાર આપવામાં આવી રહી છે.