જામનગર પાસેના શ્રી હરિદ્રા ગણપતિ મંદિરે મહાશિવરાત્રીથી અન્નક્ષેત્ર અને ચબુતરાનો પ્રારંભ
અભ્યાગત, અપંગ, વૃદ્ધ, નિરાધારોને દરરોજ અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ અપાશે-મહાશિવરાત્રીના પાવન દિવસથી સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમી
જામનગર: જામનગર જિલ્લાના વિજરખી ગામ પાસે આવેલા શ્રી હરિદ્રા ગણપતિ મંદિરે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. મંદિર પરિસરમાં પંખીઓને દરરોજ ૨૫ કિલો ચણ નાખવામાં આવે છે. દર્શનાર્થે આવતા ભક્તોને સુખડીનો પ્રસાદ આપવામાં આવે છે અને અખંડ શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવામાં આવે છે. સમયાંતરે યજ્ઞનું પણ આયોજન અહીં કરવામાં આવે છે. આવી ધાર્મિક પ્રવૃત્તિઓના કારણે અને ભક્તોના મળી રહેલા સહકાર બાદ આ જગ્યામાં વિશેષ સકારાત્મક ઉર્જા પેદા થઈ છે.
ત્યારે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની શ્રી હરિદ્રા ગણપતિ દાદાએ પ્રેરણા પૂરી પાડતા શિવરાત્રિના પાવન દિવસથી મંદિરે અન્નક્ષેત્ર અને ચબુતરાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે જ આશરે ૭૫ થી વધુ બાળકોને બટુક ભોજન કરાવાયું હતું અને આશરે ૭૦ થી વધુ દર્શનાર્થીઓએ મંદિરે ભોજન પ્રસાદ લીધો હતો.
જામનગર-કાલાવડ રોડ પર આવેલા વિજરખી ગામ પાસે આજથી પાંચ વર્ષ પહેલા ગણપતિના ભક્ત અને વકીલ એવા શ્રી નરશીભાઇ બગડીયા દ્વારા હરિદ્રા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. હરિદ્રા ગણપતિની સ્થાપના બાદ દિવસે દિવસે અહીં ભક્તોની આસ્થા પ્રબળ બનતા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી હતી.
ભગવાન શ્રી ગણપતિજીની પ્રેરણા અને આશીર્વાદથી ગણપતિ મંદિરમાં બપોરના સમયે આવેલ ભૂખ્યાને ભોજન મળે તેવા હેતુથી મહાશિવરાત્રીના શુભ દિવસથી જ કોઈ નાતજાતના ભેદભાવથી પર રહી અભ્યાગત, અપંગ, વૃદ્ધ, નિરાધાર માટે બપોરના 12 થી 2 વાગ્યા સુધી દરરોજ ભોજન પ્રસાદ આપવામાં આવશે. આમ મહા શિવરાત્રીના દિવસથી જ અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અન્નક્ષેત્રમાં કોઈપણ વ્યક્તિ સહભાગી બનીને સેવાકીય કાર્યોમાં જોડાઈ શકે છે
આ ઉપરાંત મંદિર પરિસરમાં ખુબ જ સરસ ચબુતરાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન પણ મહા શિવરાત્રીના દિવસે જ કરવામાં આવ્યું છે. ચબુતરામાં દરરોજ પંખીઓ માટે ૨૫ કિલો ચણ નાખવામાં આવી રહી છે. શ્રી હરિદ્રા ગણપતિ મંદિર ખાતે શરૂ કરવામાં આવેલા અન્નક્ષેત્રનો લાભ વધુને વધુ લોકો લે તેવી અપીલ મંદિરના સ્થાપક શ્રી નરશીભાઈ બગડીયાએ કરી છે.