જામીનની શરતોમાં ફેરફાર કરવા કોર્ટમાં હાર્દિક પટેલે અરજી કરી

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં રાજદ્રોહ કેસમાં જામીનની શરતો અંગે અરજી કરી છે. હાર્દિક પટેલે જામીનની શરતોમાં ફેરફાર કરવા કોર્ટમાં અરજી કરી છે. સરકારે કોર્ટમાં સોગંદનામું રજૂ કરી વિરોધ નોંધાવ્યો હતો કે, હાર્દિકે જામીનની શરતોનો વારંવાર ભંગ કર્યો છે. હાર્દિકની અરજી નામંજૂર કરવામાં આવે તેવી સરકારે માંગ કરી છે. ત્યારે આ અરજી અંગે સેસન્સ કોર્ટ આજે ચુકાદો આપી શકે છે. આ મામલે કોર્ટે ૨૯ મી જુલાઈએ ચુકાદો અનામત રાખ્યો છે.
આ અગાઉ કોર્ટમાં ગેરહાજર રહેવા માટેની અરજી આપનારા કોંગ્રેસના નેતા હાર્દિક પેટલ વિરૂદ્ધ સેશન્સ કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ જારી કર્યું હતું. હાર્દિકે અરજી કરી હતી કે, પોલીસ અન્ય એક કેસમાં તેની ધરપકડ કરવા માગે છે. જાે તે કોર્ટ સમક્ષ હાજર થશે તો તેને પકડી લેવામાં આવશે. પરંતુ કોર્ટે આ અરજી ગ્રાહ્ય રાખી નહોતી અને તેની વિરૂદ્ધ વોરંટ ઇસ્યૂ કર્યું હતું. સેશન્સ કોર્ટ સમક્ષ હાર્દિક પટેલે રજૂઆત કરી હતી કે, વર્ષ ૨૦૧૫માં વસ્ત્રાપુર પોલીસે જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં નોંધેલા રાયોટિંગ કેસમાં ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી અને આ અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. જેથી તેણે હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
તો સુપ્રિમ કોર્ટે ૨૦૧૫માં ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે થયેલી હિંસાના મામલામાં હાર્દિક પટેલને ૬ માર્ચ સુધી આગોતરા જામીન આપ્યા હતા. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે પાટીદાર આંદોલનમાં હિંસાના મામલામાં પોતાની વિરુદ્ધ દાખલ કેસને રદ કરવાની અનુરોધ કરતી હાર્દિક પટેલની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.