Western Times News

Gujarati News

જામીન પર બહાર નીકળેલા યુવકની હત્યા કરવામાં આવી

રાજકોટ, શહેરના સંત કબીર રોડ પર ગુરુવારે રાત્રે ૩૨ વર્ષના યુવકની હત્યા થઈ હતી. આ મામલે થોરાળા પોલીસે સપાટો બોલાવતા બે આરોપીઓની ધરપકડ કરી છે અને હત્યાનો કેસ ખૂબ જ ઝડપથી ઉકેલી લીધો છે. મૃતક આરોપીની સગીર વયની દીકરીને એક વર્ષ પહેલા ભગાડી ગયો હતો અને તેની સાથે ઘર સંસાર માંડ્યો હતો. જાેકે પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરતાં પોલીસે મૃતક અને સગીરાને જુનાગઢ જિલ્લાના માણવદરમાંથી પકડી પાડ્યા હતા અને મૃતક વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરીને દુષ્કર્મનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.

બનાવની વિગત મુજબ રાજકોટના કનક નગરના નિવાસી વિજય મેરને સગીરાને ભાગડી જવાના અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાના કેસમાં જામીન મળતા સગીરાના પિતા અને તેના મિત્ર દિનેશે મળીને તેની હત્યા કરી નાખી હતી. જે અંગે મૃતકના ભાઈ અશ્વિન મેરે સગીરાના પિતા અને તેમના મિત્ર દિનેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસના ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ મૃતક વિજય મેર ઓક્ટોબર ૨૦૨૦માં સગીરાને પોતાની સાથે ભગાડી ગયો હતો. જે બાદ તેઓ માણાવદર ગામમાં રહેતા હતા. જ્યાંથી પોલીસ બંનેને પકડી લાવી હતી અને યુવતી સગીર હોવાથી મૃતક સામે પોક્સો કાયદા હેઠળ ફરિયાદ નોંધીને દુષ્કર્મની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

પોલીસે કહ્યું કે ચાર સપ્તાહ પહેલા મેરને જેલમાંથી જામીન મળ્યા હતા અને જ્યારથી તે બહાર આવ્યો હતો ત્યારથી તે સગીરાના પિતાને ફોન કરીને ધમકી આપતો હતો કે તે ફરી તેમની દીકરીને ભગાડી જશે. જે બાદ દુશ્મનની આગામાં સગીરાના પિતાએ પ્રણ લીધું કે જ્યાં સુધી વિજય મેરની હત્યા નહીં કરે ત્યાં સુધી વાળ નહીં કાપે અને આખરે ગુરુવારે પોતાના મિત્ર સાથે મળીને અણીયારા હથિયાર સાથે મૃતકના ઘર પાસે જ તેનું ગળું રહેસી નાખ્યું હતું. પોલીસે જણાવ્યું કે સીસીટીવી ફૂટેજમાં જાેવા મળ્યું કે વિજય મેર પોતાના ઘર પાસે કોઈને સાથે બેઠો હતો ત્યારે સગીરાના પિતા અને તેના મિત્રએ અચાનક આવીને ઉપરાછાપરી ઘા મારીને હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યાના બંને આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.