જાસૂસી મુદ્દે FIR કેમ ન નોંધાવી, સુપ્રીમનો સવાલ
નવી દિલ્હી: પેગાસસ જાસૂસી મુદ્દે રસ્તાઓથી માંડીને સંસદ સુધી વિપક્ષ સરકાર પર હુમલાવર છે. ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી.
ચીફ જસ્ટિસ (સીજેઆઈ)એ સુનાવણી દરમિયાન અરજીકર્તાને સવાલ કર્યો હતો કે, આ કેસમાં આઈટી એક્ટ અંતર્ગત ફરિયાદ શા માટે નથી નોંધાવાઈ ? સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે, જાે તમને એમ લાગે છે કે, તમારો ફોન હેક થયો છે તો પછી એફઆઈઆર શા માટે નથી નોંધાવાઈ?
ચીફ જસ્ટિસે તમામ અરજીકર્તાઓને કહ્યું કે તેઓ પોતાની અરજીની કોપી સરકારને પણ મોકલે. હવે આગામી સપ્તાહે આ કેસની સુનાવણી થશે. આ દરમિયાન કોર્ટે એમએલ શર્માને ફટકાર પણ લગાવી હતી જેમણે વડાપ્રધાન, ગૃહમંત્રી અને અન્ય વ્યક્તિગત લોકો વિરૂદ્ધ અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે, તેઓ કોઈ ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન ન કરે.
અરજીકર્તા વકીલ એમએલ શર્માએ સુનાવણીની શરૂઆતમાં જ કટાક્ષનો સામનો કરવો પડ્યો હતો. ચીફ જસ્ટિસે કોર્ટમાં કહ્યું કે, તેઓ પહેલા કપિલ સિબ્બલને સાંભળશે કારણ કે, એમએલ શર્માની અરજી ફક્ત સમાચાર પત્રોના કટિંગના આધાર પર જ છે. સાથે જ ચીફ જસ્ટિસે તમે અરજી દાખલ જ શા માટે કરી તેવો સવાલ પણ કર્યો હતો.