જાહેરમાં થૂંકનારા પાસેથી રૂ. 13 લાખનો દંડ વસૂલાયો
દક્ષિણ ઝોનમાં સૌથી વધુ નાગરિકો ઝડપાયા
અમદાવાદ, આપણા અમદાવાદને દેશભરના શહેરોમાં સૌ પ્રથમ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. દેશના સ્વચ્છ શહેરોમાં પણ અમદાવાદ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. કેન્દ્રના સ્વચ્છતા સર્વેક્ષણમાં આ બાબત આંખે ઉડીને વળગી રહી છે. આવા સંજોગોમાં શહેરની સ્વચ્છતા અને સુંદરતા ટકાવી રાખવા માટે મ્યુનિ. તંત્રનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ભારે જહેમત ઉઠાવી રહ્યો છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરમાં પાન-મસાલા ખાઈ પીચકારી મારનારા બેજવાબદાર શખ્સ સામે દંડનીય પગલાં લેવાઈ રહ્યા છે. તંત્રની લાલ આંખના પગલે છેલ્લા સાડા પાંચ મહિનાના ટૂંકા સમયગાળામાં જ સત્તાધીશોએ આવા શખ્સ પાસેથી રૂ.૧૩.૩૩ લાખથી વધુનો દંડ વસૂલ્યો હોવાની વિગત જાણવા મળી છે.
મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ક્લિન સિટી તરીકે અમદાવાદ હેઠળ ગત ર ફેબ્રુઆરી ર૦ર૪થી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. શહેરની સ્વચ્છતા અને સુંદરતા માટે ટ્રાફિક જંકશનો અને બીઆરટીએસ કોરીડોરની ગ્રીલ્સ તેમજ ડિવાઈડરોને કરોડો રૂપિયાના ખર્ચે સેંકડો મજૂરો અને સાધન સામગ્રી રોકીને સાફ કરાવવામાં આવે છે.
જો કે, ટૂંકા ગાળામાં જ કેટલાક બેજવાબદાર નાગરિકો દ્વારા પાન-મસાલા ખાઈ થૂંકી ફરીથી ત્યાં ગંદકી કરવામાં આવે છે જેને અટકાવવા માટે આ રીતે જાહેરમાં પાનમસાલા ખાઈ થૂંકીને ગંદકી કરતાં શખ્સો સામે મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે દંડનીય કાર્યવાહીનો ડંડૂકો ઉગામ્યો છે.
શહેરના ૪૮ વોર્ડમાં વહેલી સવારથી કાર્યરત મ્યુનિ. સોલિડ વેસ્ટની સ્વચ્છતા સ્કવોડ જાહેરમાં પાન-મસાલા ખાઈ પીચકારી મારનારા શખ્સોને રંગેહાથ ઝડપી રહી છે અને આવા શખ્સો પાસેથી રૂ.૧૦૦ સુધીનો દંડ વસૂલી રહી છે.
પશ્ચિમ ઝોનમાં ન્યુ રાણીપ, આઈઓસી રોડ, જીવરાજ મહેતા હોસ્પિટલ રોડ વગેરે વિસ્તાર, ઉત્તર પશ્ચિમ ઝોનમાં એસજી હાવે, થલતેજ, સાયન્સ સિટી, ગોતા, વસ્ત્રાપુર, બોડકદેવ, ગુરૂકુલ રોડ, રન્નાપાર્ક, ઘાટલોડિયા અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મકતમપુરાના સોનલ સિનેમા રોડ, જુહાપુરા, જોધપુર, સરખેજના વણકર વાસ વગેરે સ્થળોએ સ્વચ્છતા સ્કવોડ સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરે છે.
દક્ષિણ ઝોનમાં કૃષ્ણબાગ રોડ, ગુલાબનગર, ચંડોળા પેટ્રોલપંપ પાસે, જોગર્સ પાર્ક રોડ, ગોવિંદવાડી, નારોલ સર્કલ, ઘોડાસર કેનાલ, મણિનગરના આવકાર હોલ રોડ, કેલિકો મિલ, શાહઆલમ ટોલનાકા પાસે, રામરાજ્યનગર, વટવાના પુનિતનગર રોડ, ઈસનપુર બસસ્ટેન્ડ વગેરે સ્થળોએ તંત્ર સઘન ચેકિંગ હાથ ધરતું રહ્યું છે.
શહેરના અન્ય ઝોન જેવા કે મધ્ય ઝોનમાં ઘીકાંટા રોડ, લાલાકાકા હોલ વિસ્તાર, કાલુપુર ફ્રૂટ માર્કેટ, તંબુ ચોરી રોડ, દિલ્હી ચકલા રોડ, ગાંધી બ્રિજ રોડ વિસ્તાર, દૂધેશ્વર સર્કલ, ઘોડા કેમ્પ રોડ, લક્ષ્મીનગર, એપીએમસી ગેટ,એસટી ચાર રસ્તા, ઘીકાંટા રોડ, નમસ્કાર સર્કલ, પ્રેમ દરવાજા, દધીચિ સર્કલ, સારંગપુર દરવાજા, ખમાસા રોડ, સિવિલ હોસ્પિટલ રોડ, લાખા પટેલ પોળ અને કલાપી રોડ જેવા વિસ્તારોમાં ચેકિંગ ઝુંબેશ ચલાવીને અમદાવાદને ગંદુ-ગોબરું કરનારા શખ્સોને તંત્ર દ્વારા રંગેહાથ ઝબ્બે કરવામાં આવી રહ્યા છે.