જાહેરમાં મારામારી કરતા પોલીસે બે શખ્સોની ધરપકડ કરી
રાજકોટ, રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં એક યુવકને માર મારવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયો મામલે યુનિવર્સિટી પોલીસે ગણતરીની કલાકોમાં બે જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.
યુનિવર્સિટી પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધરપકડ કરવામાં આવેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બંને આરોપીઓ યુનિવર્સિટીની બાજુમાં આવેલા મુંજકા ગામના રહેવાશી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર એક યુવાનને ત્રણથી ચાર જેટલા યુવાનો દ્વારા માર મારવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જાહેરમાં માર મારવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં યુનિવર્સિટી પોલીસના ડી સ્ટાફના માણસોએ માર મારનાર યુવાનોની શોધખોળ શરૂ કરી હતી.
જે દરમિયાન ડી સ્ટાફના માણસોને બાતમી મળતા વીડિયોમાં દેખાતા પાર્થ ઉર્ફે ભોલો જેઠાભાઇ મિયાત્રા તેમજ જયદીપ લાખાભાઈ જાદવ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એ. બી. જાડેજાના જણાવ્યા પ્રમાણે ઝડપાયેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી પાર્થ ઉર્ફે ભોલા વિરૂદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તેમજ એમવી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાઇ ચૂક્યો છે. જ્યારે કે અન્ય આરોપી જયદીપ લાખાભાઈ જાદવ વિરૂદ્ધ ઈ.પી.કો.ની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધાઈ ચૂક્યો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પીડિત યુવાને આરોપીના ભત્રીજાને ગાળ આપી હોવાના કારણે મારામારીની ઘટના ઘટી હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વીડિયોમાં બે જેટલા યુવાનો સ્કૂલ ડ્રેસમાં બ્લેક કલરના ટી-શર્ટ પહેરેલા યુવાનને મારી રહ્યા છે.
મારામારીની ઘટના સમયે થોડાક સમય માટે આસપાસના લોકો પણ એકઠા થઇ ગયા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ પણે જાેઈ શકાય છે. સરાજાહેર મારામારીની ઘટનામાં યુનિવર્સિટી પોલીસ તરફથી ઝડપી પાડવામાં આવેલા બંને આરોપીઓ મુંજકા ગામના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.SS1MS