જાહેરમાં માસ્ક વિના ફરનારા પાસેથી હવે 200 નહીં 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે
અમદાવાદ, રાજ્યમાં જીવલેણ કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે અમદાવાદ શહેરનાં મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં માસ્ક વગર પહેરવા વગર ફરવાળાઓને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. અમદાવાદમાં કોરોના મહામારીના વધતાં કેસોને ઘ્યાનમાં લઇને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માસ્ક નહીં પહેરનારાઓ પર તંત્રએ તવાઇ બોલાવી છે. હવે જે લોકો માસ્ક નહી પહેરે તેને હવે 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ રકમ પહેલાં 200 રૂપિયા હતી. જેમાં હવે 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે જાહેરમાં માસ્ક વિના ફરનારા લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
આ ઉપરાંત તંત્રએ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. પાનના ગલ્લા પર થૂંકનારાઓની હવે ખૈર નથી. પાનના ગલ્લાઓ પર જો કોઇ થૂંકશે તો પાનના ગલ્લાના માલિક પાસેથી 10,000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત જો કોઇ વ્યક્તિ જાહેરમાં થૂકશે તો તેને પણ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. લોકોમાં હજુ પણ આ ઘાતક વાયરસને લઇને ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો જાહેરમાં માસ્ક વિના ફરતા અને થૂકતાં જોવા મળે છે. જેના પગલે તંત્રએ કડક પગલા લેવા પડી રહ્યાં છે.