જાહેરમાં સ્ટંટ કરતા શખ્સોએ પોલીસ સાથે ઝપાઝપી કરીઃ છ વ્યક્તિની ધરપકડ
ચાંદખેડા વિસ્તારમાં વિસત પેટ્રોલ પંપ પાસે બનેલી ઘટના |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ચાંદખેડા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર બાઈક પર સ્ટંટ કરી લોકોને પજવણી કરી રહેલા છ શખ્સોએ પોલીસ પર પણ હુમલોનો પ્રયાસ કરતા ભારે હોહા મચી જવા પામી હતી. પોલીસે છ શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનતુસાર આ અંગેની વિગત એવી છે કે ચાંદખેડા વિસ્તારમાં ગાંધીનગર તરફ જતાં રોડ ઉપર વિસત પેટ્રોલ પંપ નજીક રાધે રેસ્ટોરન્ટની બાજુમાં જ જાહેરમાં છ શખ્સો બાઈક પર સ્ટંટ કરતાં હતા અને જારશોરથી બુમો અને ચીસાચીસ પાડી ફટાકડતાં પણ ફોડતા હતા. જાહેર રોડ ઉપર કેટલાંક શખ્સો કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી હતી. અને જાહેરમાં આ પ્રકારનું વર્તન ન કરવા મજાવટથી કામ લીધું હતુ.
પરંતુ આ શખ્સો સમજવાને બદલે પોલીસ સામે પણ થઈ ગયા હતા. અને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અને બાઈક પર નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. બાઈક પર નાસી રહેલા શખ્સો પૈકી બે શખ્સ તો બાઈક પરથી નીચે પટકાયા હતા.
પોલીસ પીછો કરી જાહેર રોડ ઉપર ગેરવર્તણુંક કરનાર પિયુષ વાઘેલા, નીખિલ વાઘેલા, અલકા વાઘેલા, જીવણ વાઘેલા હર્ષ રાઠી અને ચિંતન પારધી નામના શખ્સને બાઈક સાથે ઝડપી લઈ લોકઅપ ભેગા કરી દીધા હતા. ચાંદખેડા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તમામ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જા કે આ કેસમાં પોલીસ ઉપર પણ દબાણ લાવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યં છે. પરંતુ પોલીસે કોઈની શરમ રાખ્યા વિના આગળની કાર્યવાહી હાથ ધરી છે.