Western Times News

Gujarati News

જાહેર થયેલ પરીણામ પૈકી ૧૫૭૮ મહિલા ઉમેદવારોની ચકાસણી પૂર્ણ થયે નિમણુંકો અપાશે

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યના યુવાનોને સરકારી નોકરીમાં સેવાઓ આપવાની તક મળે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે પોલીસ દળમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા ૯,૭૧૩ લોકરક્ષકની ભરતી માટે ઓગસ્ટ-૨૦૧૮ માં પ્રક્રિયા શરૂ કરી હતી. જેનું માર્ચ-૨૦૧૯ માં શારીરિક કસોટી અને દસ્તાવેજ ચકાસણીનું કામ હાથ પર લેવાયુ હતું અને આજે એ પરીણામ જાહેર કરીને ૮,૧૩૫ યુવાનોને આખરી પરીણામ જાહેર કરીને નિમણુંકો આપવામાં આવનાર છે. બાકીના ૧,૫૭૮ યુવાનોની દસ્તાવેજ ચકાસણી અને શારીરિક કસોટીની પ્રક્રિયા પ્રગતિમાં છે. જેઓને પણ પ્રક્રિયા પૂર્ણ થયે નિમણુંકો અપાશે.

શ્રી જાડેજાએ ઉમેર્યુ કે, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ આ પરીક્ષામાં એસ.સી.એસ.ટી.ના નવા કાયદા અનુસાર દસ્તાવેજ ચકાસણી કરવાની હોય, જેતે ઉમેદવારોએ તેમના દસ્તાવેજો ચકાસણી સારૂ સમય મર્યાદામાં ઉપલબ્ધ ન કરતા ચકાસણીમાં થોડો વિલંબ થતા ૩૦મી નવેમ્બરે પરીણામ જાહેર કર્યુ છે. સાથે સાથે ૩૩ ટકા મહિલાઓની સીટો ભરવા માટેની કામગીરી સંદર્ભે હાઇકોર્ટમાં પોલીસ ઇન્સ્પેકટર ભરતીની કેસ અંગે ચુકાદો જાહેર થઇ ગયો છે.

જેથી આ પરીક્ષામાં આ ચુકાદાને ધ્યાનમાં રાખીને મહિલા સામાન્ય સંવર્ગ સિવાયના બાકીના ૮,૧૩૫ ઉમેદવારોનું આખરી પરીણામ જાહેર કરાયુ છે. આથી, મહિલા સામાન્ય સંવર્ગની બાકી રહેલ ૧,૫૭૮ જગ્યા ભરવા માટે નામદાર હાઇકોર્ટના ચુકાદાઓને અનુસરીને આગળની કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવામાં આવશે અને બોર્ડ દ્વારા વહેલામાં વહેલુ પરીણામ જાહેર કરીને જરૂરી કાર્યવાહી કરાશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિકાસમાં મહત્વની ભૂમિકારૂપ એવી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુપેરે જળવાય રહે તે માટે છેલ્લા ૧૦ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ ખાતામાં જુદા-જુદા સંવર્ગમાં ૫૦ હજારથી પણ વધુની ભરતી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.