જાેધપુરમાં રિક્રિએશન સેન્ટર દૈનિક રૂા.૮૮૦ ના નજીવા ભાડે આપવા નિર્ણય
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર, હેલ્થ, ટેક્ષ જેવા વિભાગો સામે ભ્રષ્ટાચારના સતત આક્ષેપ થતા રહે છે. જયારે રીક્રીએશન કમીટી એટલે કે બગીચા વિભાગ અને અંબુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય જેવા વિભાગોમાં થતા ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન થતા રહયા છે.
લગભગ ર૦ દિવસ અગાઉ નજીવા દરે ટેનિસ કોર્ટ ભાડે આપવા માટે રીક્રીએશન કમીટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો જેની સામે ભારે ઉહાપોહ થતા સ્ટેન્ડીંગ કમીટી દ્વારા સદ્ર નિર્ણયને રદ કરી નવેસરથી ટેન્ડર કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો.
ટેનિસ કોર્ટની ગેરરીતિની સાહી હજી સુકાઈ નથી ત્યારે જ જાેધપુર વોર્ડમાં તૈયાર થનાર રીક્રીએશન સેન્ટર પણ નજીવા ભાડાથી આપવા માટે રીક્રીએશન કમીટીમાં ઠરાવ થયો છે. ચોંકાવનારી બાબત એ છે કે જાેધપુરના રીક્રીએશન સેન્ટરનું કામ હજી પુર્ણ થયુ નથી તેમ છતાં ચૂંટણી સમયે કોન્ટ્રાકટ આપવામાં તકલીફ ન થાય તે આશયથી ૦૬ મહીના અગાઉ જ આ કામને મંજુર કરવામાં આવ્યુ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાેધપુર વોર્ડમાં સ્વીમીંગ પુલ અને જીમ્નેશીયમની સુવિધા સહીતનું રીક્રીએશન સેન્ટર બનાવવામાં આવી રહયુ છે. સદ્ર રીક્રીએશન સેન્ટરનો સીવીલ ખર્ચ રૂા.ર.૮૦ કરોડ છે. જયારે અન્ય ખર્ચ સહીત કુલ ખર્ચ રૂા.ચાર કરોડ સુધી થાય તેવી ગણત્રી મુકવામાં આવી છે.
રીક્રીએશન સેન્ટરનું કામ કોઈપણ સંજાેગોમાં દિવાળી પહેલા પૂર્ણ થાય તેમ નથી, તેમ છતાં અગમ્ય કારણોસર સતાધારી પાર્ટીએ પાંચ વર્ષ માટે રૂા.૧૬ લાખની અપસેટ વેલ્યુ નકકી કરી ટેન્ડર સહીતની તમામ સત્તા કમિશ્નરને સોંપી છે.
સુત્રોએ જણાવ્યા મુજબ તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવી રહેલ રીક્રેઅશન સેન્ટર દૈનિક રૂા.૮૮૦ના નજીવા દરે કોન્ટ્રાકટ પર આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશનની જમીન પર તેના જ ખર્ચથી તૈયાર થનાર રીક્રીએશન સેન્ટરને કોન્ટ્રાકટ પર આપવાના નિર્ણયને શાસકો પીપીપી મોડેલ ગણાવી રહયા છે,
જયારે ચોંકાવનારી બાબત એ છે કે પાંચ વર્ષ માટે કોન્ટ્રાકટ આપ્યા બાદ પણ મનપા દ્વારા ત્રણ વરસે રીક્રીએશન સેન્ટરને રીપેર- રીનોવેશન કરી આપવામાં આવશે. આપણા વડવાઓ આ પધ્ધતિને “ખાતર ઉપર દિવેલ” કહેતા હતા ચાલુ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.
ચૂંટણીની જાહેરાત બાદ રીક્રીએશન સેન્ટર ભાડે આપી શકાય નહીં તેથી શાસકપક્ષ દ્વારા “માનીતા” ને ખુશ કરવા ૦૬ મહીના અગાઉ જ મંજુરીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે તેમ છતાં વિપક્ષ મૌન છે.
રિક્રિએશન કમીટીમાં આશ્ચર્યજનક રીતે બગીચાની “કમ્પાઉન્ડ વોલ” બનાવવાના કામ પણ રજુ થયા હતા. સામાન્ય રીતે બગીચામાં તમામ પ્રકારના સિવિલ કામ જે તે ઝોન દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે પૂર્વ અને પશ્ચિમ ઝોન માટે ટ્રી-ગાર્ડ ખરીદીના કામને પણ મંજુર કરવામાં આવ્યા છે. ટ્રી ગાર્ડની દરખાસ્તમાં જથ્થા અને ભાવ નો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેમ છતાં ચેરમેને આ કામને પણ મંજુર કર્યું છે.