જાેનસન એન્ડ જાેનસન કંપનીએ કોરોનાની રસી મંજૂરીની અરજી પરત ખેંચી

નવીદિલ્હી: ભારતમાં વિદેશી રસીના લીધે વેક્સિનેશનની ગતિએ રફતાર પકડી હતી જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં રસીકરણ વધવાની વચ્ચે એક મોટો આંચકો લાગ્યો છે. જાેનસન એન્ડ જાેનસન કંપનીએ ભારતમાં તેની કોવિડ -૧૯ રસીને વહેલી તકે મંજૂર કરવા માટેની અરજી પરત લીધી છે. ભારતીય દવા નિયામકે સોમવારે આ માહિતી આપી હતી. જાેકે, આ અરજી પાછી ખેંચવા પાછળ કંપનીએ હજુ સુધી કોઈ કારણ આપ્યું નથી.
અમેરિકન કંપનીએ આ વર્ષે એપ્રિલમાં ભારતમાં તેની કોવિડ -૧૯ રસીની ટ્રાયલ માટે અરજી કરી હતી. જાે કે, તે સમયે યુ.એસ. માં તેની ટ્રાયલમાં લોહી ગંઠાઈ જવાની ફરિયાદ ઉઠવા પામી હતી તેના લીધે આ પ્રયોગ બંધ કરી દેવામાં આવ્યું હતું. જાેનસન કંપનીએ આ અરજી એવા સમયે પાછી ખેંચી છે જ્યારે ભારત પહેલેથી જ વિદેશી રસી ઉત્પાદકો સાથે નુકસાનીમાંથી મુક્તિ જેવા કેટલાક મુદ્દાઓ પર કાનૂની બાબતો ઉકેલવામાં વ્યસ્ત છે.
ગયા અઠવાડિયે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે કહ્યું હતું કે રસી ઉત્પાદકો સાથે તમામ સમસ્યાઓના ઉકેલ માટે એક ટીમ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ટીમ ફાઈઝર, મોર્ડેના અને જાેનસન એન્ડ જાેનસન સાથે સતત સંખ્યાબંધ મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે જાેનસન એન્ડ જાેનસન અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં ભારતે યુએસ કંપની મોર્ડેનાની કોવિડ -૧૯ રસીને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપી હતી.