જિયા ખાનની માતાએ સલમાન પર લગાવ્યો ગંભીર આરોપ
મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતના નિધાન બાદ બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જાણે કે ઉથલ-પાથલ મચી ગઈ છે. સુશાંતના આપઘાત બાદ બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ ઘટના બાદ બોલિવુડના અનેક સ્ટાર્સ સામે પટનામાં વિરોધ પ્રદર્શન થયું હતું, તો આત્મહત્યાના આ કેસમાં બિહારના મુજફ્ફરપુરમાં સલમાન ખાન સહિત આઠ ફિલ્મ હસ્તી સામે કેસ દાખલ થયો છે. આ દરમિયાન દિવંગત અભિનેત્રી જિયા ખાનની માતાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેણીએ સુશાંતસિંહને શ્રધ્ધાંજલિ આપતા સલમાન ખાન અને બોલિવૂડમાં કામ કરવાની રીત પર તીખા પ્રહાર કર્યાં હતાં.
જિયા ખાને ૨૦૧૩માં ડિપ્રેશનમાં આવીને આપઘાત કરી લીધો હતો. જે બાદમાં તેના કથિત બોયફ્રેન્ડ સૂરજ પંચોલીની પોલીસે લાંબી પૂછપરછ કરી હતી. સુશાંત રાજપૂતના નિધનના સમાચાર સાંભળીને જિયા ખાનની માતા સામે આવી છે. તેણીએ બોલિવુડમાં કામ કરવાની રીત પર તીખા પ્રહાર કરતા જિયા ખાનના કેસને યાદ કર્યો હતો. આ દરમિયાન તેણીએ સલામાન ખાન પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે.
રાબિયાએ કહ્યું, ‘મારી સંવેદના સુશાંત રાજપૂતના પરિવાર સાથે છે. આ કોઈ મજાક નહીં પરંતુ હૃદયને હચમચાવી દેતો મામલો છે. હવે બોલિવુડે બદલાવું પડશે. બોલિવુડે આવું કરવાનું સદંતર બંધ કરવું પડશે. કોઈ પાસે ધમકાવીને કામ કરાવવું એક રીતે હત્યા જ છે.’ આ વીડિયોમાં રાબિયા આગળ કહે છે કે, ‘જે પણ થઈ રહ્યું છે તેણે મને ૨૦૧૫ની યાદ અપાવી દીધી છે. જ્યારે હું મારી દીકરીના કેસના સંદર્ભે એક સીબીઆઈ આૅફિસરને મળી હતી. તે સમયે તેણે કહ્યુ કે મને સલમાન ખાનનો ફોન આવ્યો હતો. તેઓ રોજ ફોન કરે છે અને કહે છે કે આ છોકરા પર અમે અઢળક રૂપિયા ખર્ચ કર્યા છે, તેની પૂછપરછ ન કરો. તો અમે શું કરી શકીએ મેડમ.’ રાબિયાના આવા નિવેદન બાદ સોશિયલ મીડિયા પર બબાલ થઈ ગઈ છે. સલમાન પર રાબિયાના આવા આક્ષેપ બાદ અનેક સવાલ ઊભા થયા છે.