Western Times News

Gujarati News

જિયો-બીપી અને નાયરાએ રિટેલર્સને પેટ્રોલ પંપ ચાલુ રાખવા સૂચના આપી

નવી દિલ્હી, ઓઈલના ભાવ ટોચ પર પહોંચ્યા છે ત્યારે પેટ્રોલ – ડીઝલના ખાનગી રિટેલર્સ માટે ટકી રહેવું મુશ્કેલ છે. નાયરા અને જિયો-બીપી જેવા રિટેલર્સ અત્યારના ભાવે IOC, BPCL વગેરેની સામે ટકી શકે તેમ નથી. છતાં જિયો-બીપી અને નાયરાએ તેના રિટેલર્સને તેમના પેટ્રોલ પંપ ચાલુ રાખવા સૂચના આપી છે.

તેઓ અમારે ત્યાં સ્ટોક ખતમ છે તેવું બોર્ડ નહીં લગાવી શકે. જાેકે, તેમને ઓછું વેચાણ કરવા માટે સૂચના અપાઈ છે કારણ કે તેઓ જેટલું વધારે વેચાણ કરશે તેટલું નુકસાન જશે. તેથી પ્રાઈવેટ રિટેલર્સે વેચાણ ઓછું કરવા માટે ભાવ પણ વધારી દીધા છે.

શુક્રવારે સરકાર તમામ પેટ્રોલ પંપને યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન હેઠળ લાવી હતી. એટલે કે પેટ્રોલ પંપે કામના નિશ્ચિત કલાકો દરમિયાન ખુલ્લા રહેવું જ પડશે અને સપ્લાય જાળવવો પડશે. અમે Jio-bp અને નાયરાના કેટલાક પેટ્રોલ પંપ પાસે વાત કરી હતી જેમણે જણાવ્યું કે તેમણે ઇંધણના ભાવમાં લિટર દીઠ પાંચથી સાત રૂપિયાનો વધારો કર્યો છે.

સરકારી માલિકીની ફ્યુઅલ કંપનીઓએ બે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. તેના કારણે ફ્યુઅલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલમાં લિટરે લગભગ ૧૮ રૂપિયા અને ડીઝલમાં ૨૫ રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે.

નુકસાન ઘટાડવા માટે ખાનગી રિટેલર્સે તેમના ડીલર્સને સપ્લાય ઓછો કરી નાખ્યો છે અને ભાવ વધારી દીધા છે જેથી ગ્રાહકો ખરીદી કરવાનું ટાળે. જિયો બીપીના એક રિટેલરે જણાવ્યું કે, “અમને સપ્લાય મળતો નથી અને અમારી હાલત ખરાબ છે.

અમે બીજા પેટ્રોલ પંપની તુલનામાં ડીઝલના ભાવમાં પાંચ રૂપિયા અને પેટ્રોલમાં સાત રૂપિયાનો વધારો કરીએ તો અમારી પાસે પેટ્રોલ ભરાવવા માટે કોણ આવશે? અમને જે થોડોઘણો પૂરવઠો મળે છે તેનું પણ વેચાણ નહીં કરી શકીએ.”

જિયો-બીપી અને નાયરાના પંપને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે તેઓ પેટ્રોલ પંપની આગળ બેરિકેડ ન લગાવે કારણ કે તેની તપાસ કરવા માટે કંપનીના અધિકારીઓ ગમે ત્યારે આવી શકે છે. ગયા સપ્તાહથી ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપ પર મોટી લાઈનો જાેવા મળી હતી અને લોજિસ્ટિક્સને લગતી સમસ્યા હોવાના અહેવાલ આવ્યા હતા.

ત્યાર પછી સરકાર તમામ પ્રાઈવેટ ફ્યુઅલ ઓપરેટર્સને યુએસઓ હેઠળ લાવી હતી. પંપ ઓપરેટરોએ જણાવ્યું કે તેઓ પંપને માત્ર ચાલુ રાખવા માટે ભાવમાં વધારો કરશે જ્યારે વેચાણનું પ્રમાણ ઓછું રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.