જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં બાલ સત્કાર કાર્યક્રમ અમલમાં
વડોદરા, શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ ૧૦૬૬ પ્રાથમિક શાળાઓમાં જુલાઇ મહિનાથી બાલ સત્કાર કાર્યક્રમ અમલી બનાવવામાં આવી રહ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના દત્તક તાલુકા ડેસરમાં તેના પ્રાયોગિક અમલને મળેલી સફળતાના પગલે હવે સમગ્ર જિલ્લામાં તેનો અમલ કરાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી અર્ચના ચૌધરીએ જણાવ્યુ હતું કે શાળામાં દાખલ થતાં બાળકને શિક્ષક ઉમળકાભેર આવકારે અને પ્રોત્સાહિત બાળકનું શાળા અને શિક્ષણ સાથે અનુસંધાન વધે, બાળકની શાળામાં નિયમિતતા વધે એવો આ કાર્યક્રમનો આશય છે. જેમાં ચાર જેટલા ચિત્રો પૈકી બાળક પસંદ કરે એ ચિત્ર પ્રમાણે શિક્ષક બાળકને આવકારશે. જેમ કે બાળક હસ્તધૂનન(શેકહેન્ડ)નું ચિત્ર પસંદ કરે કે સામે સામે તાળીનું ચિત્ર પસંદ કરે તો શિક્ષક એ પ્રમાણે બાળકોને આવકારશે. આ પ્રોજેક્ટથી બાળકો અને શિક્ષકો વચ્ચે તાદાત્મ્ય વધશે અને બાળકો શાળા સાથે વધુ જોડાશે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.