જિલ્લામાં અંદાજે રૂ.૮.૭૪ કરોડના ખર્ચે પ્રવાસનના નવા ત્રણ પ્રોજેકટ્સની કામગીરી થવાની શક્યતા
વડોદરા: તાજેતરમાં કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સ્થળોના વિકાસ માટે બેઠક યોજાઇ હતી. પોર-બળીયાદેવ પ્રોજેકટ અંતર્ગત સાદો બ્રીજ બનાવવા રૂ.૪૦૦ લાખના ખર્ચનો અંદાજ છે, તેને મંદિરના સ્વભંડોળમાંથી ખર્ચ કરવા સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. કલ્યાણનગર અને ડૉ.આંબેડકરના સ્ટેચ્યુની કામગીરી પ્રગતિ તળે છે, જે તાત્કાલિક પૂર્ણ કરવા કલેકટરે સૂચના આપી હતી. વઢવાણા પ્રોજેક્ટ માટે કમ્પાઉન્ડ વોલ બનાવવા, સાઇટ ગ્રાઉન્ડ લેવલને પૂરાણ કરવા તથા નવીન ગેસ્ટ હાઉસ બનાવવા રૂ.૯૮.૨૭ લાખનો જથ્થા વધારો તથા રૂ.૫.૪૫ લાખની વધારાની આઇટમ મંજૂર કરવામાં આવી છે. માલસર પ્રોજેકટ માટે રૂ.૩.૯૮ લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે.
સાવલી કમળ તળાવ પ્રોજેકટ માટે અંદાજે રૂ.૭.૪૦ કરોડના તથા તેન તળાવ ડભોઇ પ્રોજેકટ માટે રૂ.૩.૦૭ કરોડના વિકાસકામોનો અંદાજ છે. આ ઉપરાંત ડભોઇ ગઢભવાની માતા મંદિર વિકાસ માટે રૂ.૩.૨૪ કરોડ, ડભોઇ તાલુકાના શિનોર વ્યાસબેટ ખાતના રૂ.૩.૫૦ કરોડ અને પાદરા તાલુકાના રણુ ખાતે આવેલા તુલજાભવાની માતાના મંદિરના વિકાસ માટે રૂ.૨ કરોડના કામો સહિત જિલ્લાના નવા ત્રણ પ્રોજેકટ્સના અંદાજો મંજૂરી માટે મોકલવામાં આવ્યા છે.