Western Times News

Gujarati News

જિલ્લામાં વિકાસ કામોની ગુણવત્તા જળવાઇ રહે તે જોવા જિલ્લા કલેક્ટરનો સ્પષ્ટ નિર્દેશ

રાજપીપલા: નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ આજે રાજપીપલામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા તરફથી રજૂ થયેલા તાપી નદી આધારિત શુધ્ધ પીવાના પાણીનો પાઇપ લાઇન પ્રોજેક્ટ, સરકારી પોલીટેકનીક કોલેજ, કરજણ  જળાશય આધારિત સિંચાઇ પાઇપ લાઇન, પલસી, બિતાડા, મોટીભમરી, ખુંટાઆંબા તથા નામલગઢની ખાડીમાં પાણી નાંખવા, મોવી-દેડીયાપાડા રોડ ઉપર પેચ વર્ક કરવા, ગાજરગોટા-કાબરીપઢાર રોડના કામ અંગે જમીન સંપાદનની દરખાસ્ત કરવા,


પ્રતાપનગરથી રાજપીપલાના નવા રસ્તાની માર્ગ દુરસ્તી અને અધુરા કામો પૂર્ણ કરવાની બાબતો તેમજ નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી. વસાવા તરફથી રજૂ થયેલી આમલેથા-ખોજલવાસા સહિત આસપાસના ગામના એપ્રોચ રોડ પાસે કે જે હાઇવેને ટચ થાય છે તેવા સ્થળોએ સ્પીડ બ્રેકર મૂકવા તેમજ રાજપીપલામાં હઝરત નિઝામશાહ નાંદોદી દરગાહ શરીફ પરિસરમાં જરૂરી સુવિધાઓ ઉભી કરવા બાબતે પ્રસાશન તરફથી કરાયેલી કાર્યવાહી અંગે ચર્ચા-વિચારણા કરાઇ હતી અને તે અંગે જે તે અમલીકરણ અધિકારીઓને તેના યોગ્ય-સુચારૂ ઉકેલ અંગે જિલ્લા કલેક્ટરશ્રી કોઠારીએ સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપવાની સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, નાંદોદનાં ધારાસભ્યશ્રી પી.ડી. વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ. ડીંડોર, પ્રાયોજના વહિવટદારશ્રી આર.બી. બારીઆ, નાયબ વન સંરક્ષકશ્રી પ્રતિક પંડ્યા, જિલ્લા આયોજન અધિકારીશ્રી મકવાણા, પ્રાંત અધિકારીશ્રી કે.ડી. ભગત સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે યોજાયેલી જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ જિલ્લામાં જુદા જુદા સરકારી વિભાગો દ્વારા હાથ ધરાતાં વિકાસ કામોમાં કામની ગુણવત્તા જળવાઇ રહે અને તેમાં કોઇપણ જાતની કચાશ ચલાવી લેવાશે નહીં, તેવો સ્પષ્ટ નિર્દેશ આપી જિલ્લામાં વિકાસકામો ગુણવત્તાયુક્ત બની રહે તેની ખાસ કાળજી સાથે નિગરાની રાખવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં યોજાતી ગ્રામસભાઓમાં રજૂ થતાં પ્રશ્નો અંગે જે તે વિભાગો પાસેથી જિલ્લા પ્રસાશન તરફથી મંગાવાતી પૂર્તતા સંદર્ભે તાત્કાલિક આવી પૂર્તતા થાય તેની અંગત કાળજી લેવાની હિમાયત કરતાં શ્રી કોઠારીએ તાપી નદી આધારિત દેડીયાપાડા – સાગબારા વિસ્તારના ૨૩૩ ગામોની જૂથ પાણી પુરવઠા યોજનાની વિજ સુવિધા સહિતની  નાની મોટી અન્ય બાબતોનો માર્ચ-૨૦૨૦ સુધી ઉકેલ લાવવા તેમજ આગામી ચારેક માસમાં પ્રત્યેક ઘરમાં “નલસે જલ” ને લગતી કામગીરી પૂર્ણ થાય તે માટેના નિયમિત મોનીટરીંગ સાથેની જરૂરી સમીક્ષા કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની વિભાગીય કચેરીના અધિકારીશ્રી આર.આર.વ્યાસે સરકારી વિભાગોના બિનઉપયોગી વિજાણુ ઉપકરણો અને ઇલેક્ટ્રીકલ ચીજવસ્તુઓ E-વેસ્ટનો માર્ગદર્શિકા મુજબ યોગ્ય નિકાલ થાય તે માટે કાયદાકીય જાણકારી આપી હતી. રાજપીપલા નગરપાલિકા ખાતે E-વેસ્ટ સેન્ટર ઉભુ કરવા અને જિલ્લાની વિવિધ કચેરીઓ તરફથી તેમનો E-વેસ્ટ ઉક્ત સેન્ટરમાં જમા કરાવીને તેનો નિકાલ એક જ સ્થળેથી થાય તેવી કાર્ય વ્યવસ્થા ઉભી કરવા શ્રી કોઠારીએ સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લામાં કાર્યરત લાંચ રૂશ્વત વિરોધી કચેરી તરફથી જિલ્લાની પ્રત્યેક કચેરીઓ દ્વારા Mendatory રજીસ્ટરની નિભાવણી માટેની માર્ગદર્શિકા મુજબ દરેક કચેરીને તેની નિભાવણી કરવા ઉપરાંત નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સમિતિ તરફથી જિલ્લાના જુદા જુદા ગામોમાં મોબાઇલ વાન દ્વારા હાથ ધરાયેલાં લીગલ સર્વિસ કેમ્પમાં જે તે સરકારી કચેરીઓને તેમનાં વિભાગની યોજના હસ્તકના સંબંધિત લાભાર્થીઓને જરૂરી લાભો તેમજ અન્ય સાહિત્ય વિતરણ દ્વારા તેમાં સહયોગી બનવાની સૂચના અપાઇ હતી.

આ બેઠકમાં સરકારી બાકી લ્હેણાંની વસુલાત ઝુંબેશના રૂપમાં હાથ ધરવા, નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શન, ગ્રેજ્યુઇટી,પ્રોવિડન્ટ ફંડ, સરકારી વિમાની રકમ, પ્રવરતા યાદી, પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ, નાગરિક અધિકાર હેઠળની કામગીરી, બાકી તુમારોનો નિકાલ વગેરે જેવી બાબતોની સમીક્ષા કરી તેનો સમયસર યોગ્ય નિકાલ થાય તે જોવાની પણ શ્રી કોઠારીએ અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.