જિલ્લા કલેકટરની આગેવાની હેઠળ સરકારી કચેરીઓએ નગરપાલિકા જઈ બાકી વેરાની ચૂકવણી કરી

જિલ્લાના નાગરિકો, વેપારીઓને નગરપાલિરાના બાકી વેરા સત્વરે ચૂકવવા અપીલ કરતા જિલ્લા સમાહર્તા
જિલ્લાની ચારેય નગરપાલિકામાં વેરાવસૂલાત ઝુંબેશનો પ્રારંભ : ગોધરા નગરપાલિકા ખાતે વિવિધ સરકારી કચેરીઓએ 21 લાખથી વધુ રકમ વેરારૂપે ચૂકવી
ગોધરા:પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક અનુકરણીય પહેલ અંતર્ગત કલેક્ટરશ્રી અમિત અરોરાની આગેવાની હેઠળ ગોધરા ખાતેની તમામ સરકારી કચેરીઓના વડાએ ગોધરા નગરપાલિકાની મુલાકાત લઈ બાકી વેરાની ચૂકવણી કરી હતી. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લાના નાગરિકો, વેપારીઓને નગરપાલિકાનો વેરો ભરવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી જિલ્લાની તમામ સરકારી કચેરીઓએ પહેલ કરી બાકી વેરાની ચૂકવણી કરી છે.
ગોધરા સહિત પંચમહાલ જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં વેરા વસૂલાતની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેની શરૂઆત કરાવવા સરકારી કચેરીઓ વેરા ભરવા આગળ આવી છે. જિલ્લા કલેક્ટરશ્રીએ એક સંદેશમાં તમામ વેપારીઓ, નાગરિકોને બાકી વેરા સત્વરે ચૂકવવા અપીલ કરી હતી જેથી નગરપાલિકાઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સરળતા રહે.
આ ઝુંબેશના ભાગરૂપે આજે કલેક્ટર કચેરી દ્વારા રૂ.1,89,583/-, જિલ્લા પંચાયત ઓફિસ દ્વારા રૂ.2,94,625/-, જિલ્લા પોલિસ વડા કચેરી દ્વારા રૂ.10,440/-, એસ.આર.પી. (ગોધરા) દ્વારા રૂ.10,38,084/-, પ્રાંત ઓફિસ દ્વારા રૂ. 32,519/-, તાલુકા પંચાયત ઓફિસ દ્વારા રૂ. 1,14,695/- જિલ્લા ખરીદ વેચાણ સંઘ દ્વારા રૂ.1,00,000/-, એમ.જી.વી.સી.એલ દ્વારા રૂ.23,412/- અને પાણી પુરવઠા ઓફિસ દ્વારા રૂ.1,77,063/- વેરારૂપે ચૂકવાયા હતા.