વડોદરા જિલ્લા કલેકટરે નાગરિકતા વિહોણી માયશાને નાગરિકત્વ આપતું પ્રમાણપત્ર પ્રદાન કર્યું
વડોદરા : હાલમાં સાત વર્ષની માયશા નઈમ મન્સૂરીને આજે બાળ દિવસની ભેટના રૂપમાં એક અજીબ કશ્મકશમાં થી મુક્તિ મળી છે. આજે જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે આ નાનકડી દીકરીને ભારતની નાગરિકતા આપતું અને ભારતના ગૃહ મંત્રાલયે આપેલું પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું જેની સાથે એની નાગરિકતા વંચિત-સ્ટેટલેશ હોવાની મુશ્કેલ પરિસ્થિતિનો અંત આવ્યો હતો.જિલ્લા કલેટરશ્રી એ તેને સુખદ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
કલેકટર કચેરીમાં થી મળેલી જાણકારી અનુસાર આ દીકરીને ભારતીય નાગરિકતા અપાવવા માટે એના માતાપિતાએ સન ૨૦૧૬માં અરજી કરી હતી. એના માતાપિતા ભારતીય નાગરિક છે અને રોજગારી અર્થે એમના ઇંગ્લેન્ડમાં ટુકા ગળાના વસવાટ દરમિયાન એનો જન્મ થયો હતો. પરિણામે એને ના ભારતની કે ના ઇંગ્લેન્ડ ની નાગરિકતા મળી અને એ નાગરિકતા વંચિત હોવાની વિકટ પરિસ્થિતિમાં મુકાઈ.
આખરે એના માતાપિતાએ ભારતીય નાગરિકતા અપાવવા માટે કાયદા અનુસાર અરજી કરી હતી. કલેકટર કચેરીએ પણ આ કિસ્સામાં ખૂબ જહેમત ઉઠાવી ઝીણવટભરી પ્રક્રિયાઓ પૂરી કરી હતી. લાંબો પત્રવ્યવહાર ચાલ્યો, વિવિધ પ્રકારના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા. આ તમામ જહેમત અને પરિશ્રમને અંતે સફળતા મળી અને આજે બાળ દિવસના શુભ પ્રસંગે માયશાને ભારતીય નાગરિકતા અને ત્રિશંકુ જેવી વરવી પરિસ્થિતિમાં થી મુક્તિ મળી. આમ, કલેકટર કચેરીમાં આજે એક અનોખી રીતે બાળ દિવસની ઉજવણીનો આનંદ જોવા મળ્યો. ઈંગ્લેન્ડના બ્રેન્ટમા જન્મેલી માયશા આખરે જન્મથી ૭ વર્ષની પ્રતીક્ષાના અંતે ભારતીય નાગરિક બની .