Western Times News

Gujarati News

જિલ્લા-તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભગવો લહેરાયો

પ્રતિકાત્મક

અમદાવાદ: વિવિધ જિલ્લા તેમજ તાલુકા પંચાયતની પેટાચૂંટણીના આજે પરિણામ જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. જાહેર થયેલા પરિણામ પૈકી ૩૩ બેઠકોમાંથી ૨૯ બેઠક પર ભાજપે શાનદાર જીત મેળવી છે. ભારતીય જનતા પાર્ટીની આ શાનદાર જીત થયા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ તમામ મતદારો તથા કાર્યકરોનો આભાર માન્યો હતો.

તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં અરાજકતાનો માહોલ ઉભો કરનારી અને ખેડૂતોને ગેરમાર્ગે દોરનારી કોંગ્રેસને જિલ્લા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં જાકારો આપીને જનતાએ કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દીધું છે. દાહોદ અને ખેડા જિલ્લાની તાલુકા પંચાયતની બે બેઠકો દેશની આઝાદી બાદ પ્રથમ વખત ભાજપના ફાળે આવી છે જે ખુબ જ સારી બાબત તરીકે છે.

રાજ્યની ત્રણ જિલ્લા પંચાયત બેઠકો અને ૨૭ તાલુકા પંચાયત બેઠકોની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. આ પહેલા રાજ્ય ચૂંટણી પંચે ૪૧ તાલુકા પંચાયત બેઠક અને ૩ જિલ્લા પંચાયત બેઠક પર ચૂંટણી જાહેર કરી હતી. જેમાંથી ત્રણ તાલુકા પંચાયત બેઠક બિન હરિફ થઈ ચૂકી છે. આ ત્રણેય બેઠક ભાજપને મળી છે. તેમજ સાત તાલુકા પંચાયત બેઠકોની હાઈકોર્ટે ચૂંટણી રદ કરી છે જ્યારે ચાર તાલુકા પંચાયત બેઠકો પર એકપણ ઉમેદવારી ફોર્મ ભરાયું નહોતું.

આમ આજે કુલ ૩૦ તાલુકા પંચાયત બેઠક અને ૩ જિલ્લા પંચાયત બેઠકના પરિણામ જાહેર થયા છે. આ ૩૩ બેઠકમાંથી ભાજપનો એક જિલ્લા પંચાયત બેઠક અને ૨૮ તાલુકા પંચાયત બેઠક મળી ભાજપનો ૨૯ બેઠક પર વિજય થયો છે. જ્યારે ૨ જિલ્લા પંચાયત અને ૧ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. તો, એક તાલુકા પંચાયત બેઠક અપક્ષને મળી છે.

આમ, રાજયની મોટાભાગની તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તો, કોંગ્રેસનો જાણે બિલકુલ સફાયો થઇ ગયો છે, કોંગ્રેસને સમ ખાવા પૂરતી બે જિલ્લા પંચાયત અને એક તાલુકા પંચાયતની બેઠક મળી છે. હેબતપુર અને શિયાળ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો અને ઓગાણ તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે પોરબંદરની રાણા કંડોરણા જિલ્લા પંચાયત બેઠક ભાજપને મળી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ત્રણ તાલુકા પંચાયતની બેઠકો બિનહરિફ થયેલી અને તે ભાજપને ફાળે ગઈ હતી. જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામોમાં ભાજપે ફરી એકવાર કોંગ્રેસને મ્હાત આપતાં સ્થાનિક કક્ષાએ કોંગ્રેસની છાવણીમાં ભારે નિરાશાની લાગણી પ્રસરી ગઇ હતી. ખાસ કરીને જિલ્લા-તાલુકા પંચાયતના નિરાશાજનક પરિણામોને લઇ હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ અને સંગઠનના નેતાઓ પર માછલા ધોવાય તેવી પૂરી શકયતા છે. બીજીબાજુ, ભાજપનો દેખાવ ધાર્યા કરતાં સારો નીકળતાં પ્રદેશ નેતાગીરી અને સંગઠનના પાયાના કાર્યકરોથી લઇ આગેવાનોને સારી જીત બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવાયા છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ વાઘાણીએ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની પેટાચૂંટણીના પરિણામને આવકારતા કહ્યું હતું કે, પેટાચૂંટણીઓના જાહેર થયેલા પરિણામમાં ૩૩ બેઠકોમાંથી ૨૯ બેઠક પર ભાજપને ભવ્ય જીત મળી છે. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને ગેરમાર્ગે દોરનારી કોંગ્રેસને લોકોએ ફગાવી દીધી છે. ગુજરાતની જનતાનો અને ભાજપના પરિશ્રમી કાર્યકરોનો આ વિજય થયો છે. વાઘાણીએ કહ્યું હતું કે, પેટાચૂંટણીના પરિણામમાં ત્રણ બેઠક પર કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત થઇ છે. દેશભરમાં ગ્રામિણ જનતા સહિત વિવિધ વર્ગ સમુહને ઉશ્કેરવાનું ષડયંત્ર કરી રહેલી કોંગ્રેસ માટે આ પરિણામ સણસણતો તમાચો છે.

તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વ હેઠળ આજે દેશ પ્રગતિના નવા શિખરો કરી રહ્યું છે ત્યારે તેમની વિકાસલક્ષી નીતિઓ અને સાફ નિયત સહી વિકાસના મંત્રને દેશ અને દુનિયાના લોકો  સ્વિકારી રહ્યા છે. ગ્રામ વિકાસની નીતિઓના પરિણામે ગુજરાતમાં ફરી એકવાર જનતાએ ભાજપને ભવ્ય જીત અપાવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ખેડૂતો ગ્રામ્ય વિસ્તારો માટે કરવામાં આવેલા વિકાસ કાર્યોનું પ્રતિબિંબ આ પેટાચૂંટણીઓમાં પરિણામમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.