જિલ્લા માહિતી કચેરી નડિયાદના ટેક્નિકલ આસિસટન્ટ ડી. સી. આચાર્ય વયનિવૃત્ત

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) જિલ્લા માહિતી કચેરી, નડિયાદ ખાતે ટેક્નિકલ આસિસટન્ટ તરીકે ફરજ બજાવતા ડી. સી. આચાર્ય તા. ૩૦-૦૪-૨૦૨૪ના રોજ વયનિવૃત્ત થતા કચેરી સ્ટાફ સહિત, પત્રકારો તથા શુભચિંતકોએ શુભેચ્છા પાઠવી હતી. ગુજરાત રાજ્ય સરકારના માહિતી ખાતાના ગ્રામ્ય પ્રસારણ (આર. બી.) શાખામાં જોડાયેલા શ્રી આચાર્યે માહિતી ખાતામાં કુલ ૩૪ વર્ષ તથા જિલ્લા માહિતી કચેરી, નડિયાદ ખાતે કુલ ૩૨ વર્ષ સફળ કામગીરી કરી હતી.
મૂળ ટેક્નિકલ શાખાના હોવા છતા શ્રી આચાર્યે સંપાદન શાખાની કામગીરી કુલ ૧૪ વર્ષ સુધી સુપેરે સાચવી જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લાના પત્રકારો સાથે સુસંકલન સાધી માહિતી કચેરી ખાતે ઉમદા કામગીરી નિભાવી હતી. ઉપરાંત કોરોનાકાળ દરમિયાન તેઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી જે તત્કાલીન વહીવટી હોદ્દેદારો દ્વારા બીરદાવવામાં આવી હતી.
પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન કર્તવ્યનિષ્ઠાથી ફરજ નિભાવનાર શ્રી આચાર્ય વયનિવૃત્ત થતા જિલ્લા માહિતી કચેરી, નડિયાદ દ્વારા વિશિષ્ટ વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી આચાર્યના ધર્મ પત્નિ સહિત તેઓનો પરિવાર, માહિતી નિયામકની કચેરી ખાતેથી પ્રતિનિધિઓ તથા શ્રી આચાર્યના શુભચિંતકો હાજર રહ્યા હતા.