જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ
આરોગ્ય, શિક્ષણ અને આઈ.સી.ડી.એસ. સહિતના વિભાગોના સંકલનથી પોષણના પાંચ ઘટકો સાથે પૌષ્ટીક આહાર અને સ્વચ્છતા અંગે યોજાશે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો
શાળા અને આંગણવાડીઓમાં પીવાના પાણીના ક્લોરીનેશન, હેન્ડ વૉશ ફેસિલિટી, શૌચાલયની સફાઈ તથા સોલીડ વેસ્ટ ડીસ્પોઝલની વ્યવસ્થા અંગે કરાશે ચકાસણી
માહિતી બ્યુરો, પાટણ : કુપોષણ નિવારણ માટે પોષણ અભિયાન અંતર્ગત માર્ચ મહિનામાં પોષણ પખવાડિયાની ઉજવણી અંગે જિલ્લા પંચાયત ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને આઈ.સી.ડી.એસ. ઉપરાંત સંલગ્ન વિભાગો દ્વારા પોષણ અભિયાન અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીની વિગતો અને આગામી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
આઈ.સી.ડી.એસ. અને આરોગ્ય વિભાગ દ્વારા શિક્ષણ વિભાગના સંકલનમાં રહી આંગણવાડી તથા શાળાના બાળકોને આરોગ્યવર્ધક ભોજન, આહારમાં વૈવિધ્યતા અને પૌષ્ટીક આહાર અંગે સમજુતીની સાથે સાથે હાથ ધોવાની પદ્ધતિ અંગે પ્રત્યક્ષ નિદર્શન યોજી સ્વચ્છતા જાળવવા અંગે જાગૃતિ કેળવવા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
ઉપરાંત શાળાઓ અને આંગણવાડીઓમાં આર.બી.એસ.કે. ડૉક્ટર, મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર તથા આશા વર્કર્સ દ્વારા પીવાના પાણીના નમુના લઈ તેના ક્લોરીનેશન અંગેની ચકાસણી કરવામાં આવશે. સ્વચ્છતા અને પોષણ સંલગ્ન બાબતો છે ત્યારે શાળાઓ અને આંગણવાડીઓમાં હેન્ડ વૉશ ફેસિલિટી, શૌચાલયની સફાઈ તથા સોલીડ વેસ્ટના ડીસ્પોઝલની યોગ્ય વ્યવસ્થાની પણ ચકાસણી કરવામાં આવશે.
પોષણ પખવાડિયા અંતર્ગત બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ, એનિમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વૉશ એન્ડ સેનિટેશન અને પૌષ્ટીક આહાર જેવા પોષણના મહત્વના પાંચ ઘટકો અંગે જાગૃતિ કેળવવા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગ્રામીણ વિકાસ વિભાગ, પંચાયત વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ જેવા વિભાગો દ્વારા સંકલનમાં રહી પોષણ મેળા, સાયકલ રેલી, એનિમિયા કેમ્પ તથા ગૃહ મુલાકાતો જેવા કાર્યક્રમો યોજાશે. વધુમાં, શાળાએ ન જતી કિશોરીઓને જિલ્લાના દરેક તાલુકામથક પર પર્સનલ હાઈજીન અને સેનિટેશન અંગે તાલીમ આપવામાં આવશે.
પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત મળેલી સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જિલ્લામાં જનઆંદોલન સ્વરૂપે કુપોષણ નિવારણની ઝુંબેશ હાથ ધરવામાં આવે તે માટે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સંકલનમાં રહી કામગીરી કરવા માર્ગદર્શન પુરૂ પાડ્યું. આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી રીટાબેન પંડ્યા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એ.એસ.સાલ્વી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એ.ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ, દહેજ પ્રતિબંધક અધિકારી સુશ્રી રમીલાબેન રાઠોડ, આઈ.સી.ડી.એસ. વિભાગના સી.ડી.પી.ઓ. સુશ્રી રમીલાબેન ચૌધરી તથા સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.