જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધરમપુર ખાતે ઉજવાશે ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ સપ્તાહ’
(ડાંગ માહિતી બ્યુરો) આહવા, રજવાડી નગર ધરમપુર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારના નેજા હેઠળ કાર્યરત, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, અને ધી લેડી વિલ્સન મ્યુઝીયમ-ધરમપુરના સંયુક્ત ઉપક્રમે ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ સપ્તાહ’ની ઉજવણીનુ આયોજન કરાયુ છે.
‘પાવર ઓફ મ્યુઝિયમ’ થીમ આધારિત ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે તા.૧૬/૫/૨૦૨૨ થી તા.૨૦/૫/૨૦૨૨ દરમિયાન આ વિજ્ઞાન કેન્દ્ર તેના મુલાકાતીઓ માટે રાત્રિના આઠ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. સાથે સપ્તાહ દરમિયાન મુલાકાતીઓ અહીં વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકશે.
મુલાકાતીઓએ માત્ર ખાસ શો જેવા કે તારા મંડલ, અને થ્રીડી શો વિગેરેની જ ટિકિટ લેવાની રહેશે. આ ઉપરાંત વંચિત બાળકો માટે પણ ખાસ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા સરકારી શાળા, આશ્રમ શાળા કે એનજીઓમાથી, અગાઉ થી લેટરહેડ પર મંજૂરી મેળવી હોય તેવા બાળકોના સમૂહને, સપ્તાહ દરમિયાન વિના મૂલ્યે પ્રવેશ સાથે તારા મંડલ, અને થ્રીડી શો પણ બતાવવામ આવશે.
સપ્તાહ ઉજવણીના ભાગરૂપે તારીખ ૧૬ થી ૧૮ દરમ્યાન વારલી પેંટિંગ, અને આર્ટ એન્ડ ક્રાફ્ટ વર્કશોપનુ પણ આયોજન કરવામા આવ્યુ છે. જેમા ધોરણ પાંચ થી દસના બાળકો ભાગ લઈ શકશે. ઉપરાંત આ જ દિવસો દરમિયાન દરરોજ વિજ્ઞાનના પ્રયોગ નિદર્શન, અને અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમોનુ પણ આયોજન કરવામા આવ્યુ છે. સાથે ગ્રૂપમા ગાઈડેડ ટુરનુ આયોજન પણ કરવામા આવશે.
તારીખ ૧૮ ના રોજ સવારે ૧૧ કલાકે ‘પાવર ઓફ મ્યુઝિયમ’ વિષય પર ડો. ઇન્દ્ર વત્સ, ક્યુરેટર, ધી લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુરનુ લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન યોજાશે. ત્યારબાદ ક્વિઝ કોંટેસ્ટ ઑન મ્યુઝિયમ યોજાશે. તારીખ ૧૬ થી ૨૦ દરમિયાન મોબાઈલ સાયન્સ એક્ઝિબિશનનુ પણ આયોજન કરવામા આવ્યુ છે.
આથી વલસાડ જિલ્લા સહિત છેવાડાના ડાંગ જિલ્લા ઉપરાંત નવસારી, તાપી, અને આસપાસના વિસ્તારોના વિજ્ઞાન રસિયાઓ તથા જાહેર જનતાને આ કાર્યક્રમોનો મોટી સંખ્યા લાભ લેવા જિલ્લા વિજ્ઞાન અધિકારી શ્રી અશોક જેઠે દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે.
આ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે કાર્યાલયના ફોન નંબર ઃ ૦૨૬૩૩-૨૪૨૦૧૨ તથા ૯૯૭૯૧ ૭૦૭૯૭ ઉપર સંપર્ક સાધવા પણ જણાવાયુ છે.