જિલ્લાના ૯ સ્થળોએ સ્વચ્છતા જનજાગૃત્તિ રેલી અને ૧૪ સ્થળે સ્વચ્છતા સફાઇના કાર્યક્રમો યોજાયા
નડિયાદ : ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ખેડા જિલ્લા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી સ્વચ્છતા શપથ, રેલી, સફાઈ, સિંગલ યુઝ પ્લાસ્ટીક મુક્ત ખેડા જિલ્લો અંગે લોકોમાં જાગૃત્તિ આવે તે માટે શાળા-કોલેજોમાં સેમિનાર, વૃક્ષારોપણ, માં કાર્ડ વિતરણ જેવા કાર્યક્રમો થકી કરવામાં આવી હતી.
સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રો દ્વારા જિલ્લાના નવ સ્થાનો ઉપર સ્વચ્છ ભારત દિવસની ઉજવણી નિમિત્તે જનજાગૃત્તિ રેલી અને ૧૪ સ્થાનો ઉપર સ્વચ્છતા સફાઇનો કાર્યક્રમ યોજાયો હતો. મહેમદાવાદ નગરપાલિકા વિસ્તારમાં માં કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કપડવંજ, નડિયાદ તાલુકાના ગામડાઓ અને નડિયાદ શહેર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિવેકાનંદ યુવા કેન્દ્રના સભ્યો દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત રાજ્ય યુવક બોર્ડ, નગરપાલિકા, ગામ પંચાયતો, અને શાળાઓના સાથ-સહકારથી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
આ તમામ કાર્યક્રમનું માર્ગદર્શન નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા તથા જિલ્લા સંયોજક પ્રણવ સાગર દ્વારા આપવામાં આવ્યું હતું.