જીંદગીની દરેક પળને આનંદથી જીવી લેવાની
લે- પંકિતા જી. શાહ
જીંદગી જ્યાં સુધી છે ત્યાં સુધી સંઘર્ષ તો રહેવાનો જ. જીંદગીમાં તકલીફ તો આવ્યે જ રાખે એનો અર્થ એ નથી કે હવે જીંદગીનું શું થશે? જો એમ વિચારીને બેસી રહીએ તો વર્તમાનની સારી પળને પણ માણી ના શકીએ.
જીંદગીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકાય છે. બસ થોડા સારા પ્રયત્નો અને સારા વિચારો સાથે યોગ્ય દિશામાં કામ કરીએ તો જીંદગી સુંદર બની જાય છે.
ગુલાબનાં છોડમાં કાંટા હોય છે તો પણ ગુલાબ એજ સુંદર ખૂશ્બુ સાથે ખીલે જ છે. તકલીફો વચ્ચેથી પોતાની જાતને બહાર લાવવાની શકિત જોઈએ. ઘણીવાર કોઈ વ્યક્તિને જોઈએ ત્યારે એવું લાગે છે કે આની જીંદગીમાં તો કોઈ તકલીફ છે જ નહીં એનું કારણ એ વ્યક્તિમાં દુઃખને સુખમાં ફેરવવાની તાકાત છે.
એક છોકરો અને છોકરી હતાં. કોલેજમાં ભણતા હતા. બંને જ્યારે મળે ત્યારે છોકરી કહે, યાર લાઈફમાં કંઈ મજા નથી આવતી. જીવવાની ઇચ્છા જ નથી થતી. ત્યારે છોકરાએ કહ્યું, તું હંમેશા નેગેટિવ જ કેમ વિચારે છે. તારાં જીવનનાં રૂલ્સ રેગ્યુલેશન એટલાં બધાં ના બનાવી દઈશ કે તું જીંદગી જીવી જ ના શકે. જીવનમાં એથિક્સ હોવા જરૂરી છે પણ એટલાં બધાં પણ નહીં કે જીંદગી જીવી જ ના શકીએ. અત્યારે આપણે મળ્યા છીએ – બેઠા છીએ તો એની મજા લે ને. બાકી આમને આમ તો તું જીંદગી જ જીવી નહીં શકે.
એવું કહેવાય છે કે કોઈ તમને લીંબુ આપી જાય તો એ લીંબુનું શરબત બનાવી પીતાં આવડવું જોઈએ. કોઈ કાંટા પાથરી જાય તો એ કાંટાનો જ ઉપયોગ કરી વાડ બનાવી જીંદગી જીવતાં આવડવું જોઈએ. અને કોઈ પથ્થર ફેંકી જાય તો એ જ પથ્થરને પગથિયાં બનાવી ગોલ સુધી પહોંચતા પણ આવડવું જોઈએ.
એક પતિ-પત્ની હતાં. સવારે મોર્નિંગ વોક કરવા નીકળ્યા. ધુમ્મસ વાળું વાતાવરણ હતું. એટલે પત્નીએ કહ્યું, ચાલો ઘરે પાછા જતાં રહીએ. મજા નહીં આવે. ત્યારે પતિએ કહ્યું, તને તો હિલસ્ટેશન અને આવું વાતાવરણ ખૂબ ગમે છે. એવું સમજ કે આપણે હિલ સ્ટેશન પર આવ્યા છીએ. ઘર આંગણે સામેથી કુદરતે આ પળ આપી છે એની મજા લઈ લે.
દરેક વ્યક્તિનાં સપનાં હોય છે. એ પૂરા કરવા એ ખૂબ પ્રયત્ન કરતો હોય છે. ઘણીવાર એક પછી એક સપનાં હોય જ છે જે ક્યારેય પૂરા થતાં જ નથી. ઘણાં પૂરા થાય છે તો ઘણાં સપનાં સપનાં જ રહી જાય છે. પણ જીંદગી હંમેશા સારી યાદોં સાથે જીવવી જોઈએ. જીંદગીની છેલ્લી પળ હોય ત્યારે અફસોસ ના થવો જોઈએ કે સરસ જીંદગી જીવી જ ના શક્યા.
સરસ જીંદગી એટલે ભૌતિક સંપત્તિ જ નથી. પણ તમે એવી જીંદગી જીવ્યા હોવ કે તકલીફમાં પણ તમારાં ચહેરા પર સ્મિત હોય. જેમ કે વરસાદ વરસતો હોય કોઈ ગાડીમાં જતું હોય, કોઈ છત્રી લઈને ચાલતાં જતું હોય અને કોઈ એવું હોય કે જેની પાસે છત્રી કે ગાડી નાહોય છતાંય વરસાદમાં પલડવાની મજા લઈ જતાં હોય.
એક ૬૫ વર્ષનાં વ્યક્તિને એટેક આવ્યો. હોસ્પિટલમાં એડમિટ કર્યા. એ ભાઈની બચી ગયા. ડૉ. એ કહ્યું, જરાક મોડા આવ્યા હોત તો હાથમાંથી કેસ જતો રહ્યો હોત. સારું થયું તમે ઈન ટાઈમ આવી ગયા.
ત્યાં જ એ ભાઈએ કહ્યું, સાહેબ આજ સુધી હું મારી જીંદગી જીવ્યો જ નથી. હંમેશા કામ, રુપિયા અને પ્રતિષ્ઠા પાછળ જ દોડતો રહ્યો છું. આજે ખબર પડી કે જીવનમાં કામ – રૂપિયા જરુરી છે પણ એટલાં બધાં નહીં કે એની પાછળ જીંદગીનો સમય જ હાથમાંથી જતો રહે. પણ આજે મૃત્યુને નજીકથી જોયું ત્યારે ખબર પડી કે, ‘જીંદગીની દરેક પળને આનંદથી જીવી લેવાની હતી.’
છેલ્લે… ‘ સપનાઓને જીવંત રાખવાનાં એને પૂરા પણ કરવાના પણ એની સાથે જીંદગીની દરેક પળને શાંતિથી જીવી લેવાની.’