GNFCમાં ભોપાલ ગેસ કાંડ જેવી દુર્ઘટના થવાનો ભય
જીએનએફસીમાં ૭૭૦૦ મેટ્રિક ટન ટીડીઇ પ્રોડક્ટ વેચાયા વગર પડી હોવાથી રજૂઆત કરી મુખ્યપ્રધાનનું ધ્યાન દોર્યું
ભરૂચ, ભરૂચના જીએનએફસીમાં ૭૭૦૦ મેટ્રિક ટન ટીડીઇ પ્રોડક્ટ વેચાયા વગર પડી રહી હોવાના મુદ્દે ખુદ ભાજપના જ બે ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ફરિયાદ કરી છે. જેમાં તેઓએ ભાજપમાં ભોપાલ ગેસ દુર્ઘટના જેવી ગંભીર હોનારત ગમે ત્યારે સર્જાવાની ગંભીર દહેશત વ્યકત કરી છે.
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ધારાસભ્યોએ રજૂઆત કરી છે કે, જમીન ગુમાવનારા સ્થાનિક લોકોને રોજગારી અપાતી નથી અને જીએનએફસીમાં માર્કેટ કેપ ૭૫ ટકા ઘટી ગયું હોવાની પણ રજૂઆત કરી સમગ્ર મામલે ધ્યાન દોરવામાં આવ્યું હતું. ભરૂચના ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સહિત ભાજપના આગેવાનોએ જીએનએફસીના વહીવટ સામે સી.એમ.ને પત્ર લખી રજૂઆત કરી છે.
જેમાં દહેજ ટી.ડી.આઈ.પ્લાન્ટ, નિમ પ્રોજેકટની નિષ્ફળતા પાછળ અણઘડ વહીવટ જવાબદાર હોવાના પણ આક્ષેપ કર્યાં છે. ભરૂચના ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, દહેજ ખાતે પ્લાન્ટમાં ૭૭૦૦ મેટ્રીક ટન ટીડીઆઇ પ્રોડક્ટ ટાંકામાં સ્ટોર છે. જે વેચાતી નથી. દોઢ વર્ષ પહેલા ટીડીઆઇ પ્રિમિયમ પ્રોડક્ટ હતી, જોકે એમડી બદલાયા પછી કેવો વહીવટ થયો કે, ટીડીઆઇ વેચાતી નથી. ટીડીઆઇ બનાવવા માટે ફોસજીન ગેસની જરૂર પડે છે.
ફોસજીન ગેસથી ભોપાલ ગેસ દુર્ઘટના સર્જાઇ હતી. જો કોઇ દુર્ઘટના સર્જાય તો આખો વિસ્તાર નામશેષ થઇ જશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વાર્ષિક મિટીંગ વખતે પણ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને જીએનએફસીના એમડી વચ્ચે ટીડીઇ પ્રોડક્ટ મુદ્દે રકઝક થઇ હતી. ત્યારથી જ આ વિવાદ ચાલી રહ્યો હતો અને છેવટે હવે ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ સીએમને રજૂઆત કરી સમગ્ર મામલે ધ્યાન દોરતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે.