જીગ્નેશ ઠક્કર હત્યા કેસમાં સુરતથી બે શકમંદની ધરપકડ
સુરત ક્રાઇમ બ્રાંચે હોટલમાંથી બંનેને ઝડપી પાડ્યા -મટકા કિંગ ઠક્કરનું થાણેના મહાત્મા ફુલે ચોક પોલીસ સ્ટેશન હદમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી
સુરત, મહારાષ્ટ્રના થાણેમાં વરલી મટકાના જુગારના ગેરકાયદે ધંધાની નાણાકીય લેતીદેતીના વિવાદમાં ભાગીદારનું ૫ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવાના ગુનામાં પોલીસ સુરતથી બે શકમંદની ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાંચે સ્ટેશન વિસ્તારની હોટલમાંથી બંનેને ઝડપી પાડ્યા અને થાણે પોલીસને બંનેનો કબજો સોંપ્યો હતો. બંને જે કારમાં સુરત આવ્યા હતા તે કાર એક સ્થાનિક મિત્રને સોંપી હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાંચે તેની પણ શોધખોળ હાથ ધરી છે.
મહારાષ્ટ્રના થાણે ખાતે ગત તારીખ ૩૧ જુલાઇના રોજ મુંબઇના કલ્યાણ વિસ્તારમાં રહેતા અને ‘મટકા કિંગ’ ગણાતા જીગ્નેશ ઠક્કરનું થાણેના મહાત્મા ફુલે ચોક પોલીસ સ્ટેશનની હદમાં ૫ રાઉન્ડ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જીગ્નેશ વરલી મટકાનો ગેરકાનૂની ધંધા સાથે સંકળાયેલો હોવાથી આ હત્યા કેસે ભારે ચકચાર મચાવી હતી. આ ઘટનાના બે શકમંદ દીપક ભેરૂમલ રામચંદાની અને ધનરાજ જતિન શાહ અંગે ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મચારીને બાતમી મળી હતી કે આ ઈસમો સુરતના રેલવે સ્ટૅશન વિસ્તારમાં આવેલી હોટલોમાં સંતાયા છે.
આ બાતમીના આધારે પોલીસે બંનેને સ્ટેશન વિસ્તારની હોટલ રોયલ ટ્રેથમાંથી ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધનરાજ જતિન શાહનો મોટોભાઇ ધર્મેશ ઉર્ફે નન્નુ શાહ અને જીગ્નેશ ભાગીદારીમાં વરલી મટકા અને સટ્ટા બેટિંગનો ગેરકાનૂની ધંધો કરતા હતા. ધર્મેશ ઉર્ફે નન્નુ શાહ અંડર વર્લ્ડ માફિયા છોટા રાજન ગેંગ સાથે સંકળાયેલો છે અને તેની વિરૂદ્ધ ખંડણી, હત્યાના પ્રયાસ સહિત ૧૨ જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. જ્યારે જમીન દલાલ દીપક રામચંદાની અને કરિયાણાની દુકાન ધરાવતો ધનરાજ શાહ તેના મોટાભાઇ ધર્મેશ ઉર્ફે નન્નુ શાહના રાઇટ હેન્ડ તરીકે કામ કરે છે.
જેથી તેઓની પણ જીગ્નેશ ઠક્કરના હત્યા કેસમાં સંડોવણીની આશંકા છે. બીજી તરફ તેઓ જીગ્નેશની હત્યા બાદ ભાગીને મારૂતિ સીઆઝ કારમાં સુરત આવ્યા હતા અને સ્થાનિક મિત્રને કાર સોંપી હતી. જેથી પોલીસે આ કારની પણ શોધખોળ હાથ ધરી છે. પોલીસે બંને આરોપીને ઝડપી પાડી તેમની ધરપકડ કરી વધુ તપાસ માટે થાણા પોલીસના હવાલે કર્યા છે.