જીટીપીએલ હેથવેનો FY2019-20 ચોખ્ખો નફો 102 ટકા વધીને રૂ. 58 કરોડ થયો
નાણાંકીય વર્ષ 2020ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં એબિટા 39 ટકા વધીને રૂ. 242.6 કરોડ થઈ
અમદાવાદ, ભારતની અગ્રણી ડિજિટલ કેબલ ટીવી અને બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડર જીટીપીએલ હેથવે લિમિટેડે (જીટીપીએલ) 30 સપ્ટેમ્બર, 2019ના રોજ પૂરા થતા પ્રથમ અર્ધવાર્ષિક ગાળા અને બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. નાણાંકીય વર્ષ 2020ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની કન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે 94 ટકા વધીને રૂ. 616.4 કરોડ રહી છે. બીજા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 85 ટકા વધીને રૂ. 28.5 કરોડ રહ્યો છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2020ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 127.1 કરોડની એબિટા દર્શાવી છે જે વાર્ષિક ધોરણે 41 ટકાનો વધારો દર્શાવે છે.
નાણાંકીય વર્ષ 2020ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 73 ટકા વધીને રૂ. 1,070.7 કરોડની રહી છે. આ જ સમયગાળામાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 102 ટકા વધીને રૂ. 58 કરોડનો રહ્યો છે.
કંપનીએ નાણાંકીય વર્ષ 2020ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 242.6 કરોડની એબિટા દર્શાવી છે જે વાર્ષિક ધોરણે 39 ટકાનો વધારો સૂચવે છે.
કંપનીની નાણાંકીય કામગીરી અંગે જીટીપીએલ હેથવેના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અનિરુદ્ધસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે “જીટીપીએલે નાણાંકીય વર્ષ 2020ના બીજા ત્રિમાસિક ગાળામાં પણ ઉત્કૃષ્ટ બિઝનેસ અને નાણાંકીય કામગીરીનું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. જીટીપીએલની એડવાન્સ્ડ ટેક્નોલોજીના સહારે અમે કોઈ મોટા મૂડીખર્ચ કર્યા વિના અન્ય ક્ષેત્રોમાં અમારો સીએટીવી બિઝનેસ વિસ્તારી શક્યા છીએ. અમારા અવિરત કેશફ્લોના લીધે અમે અમારા મૂડી ખર્ચ યોજનાઓને પહોંચી વળી શકીશું, ઉપરાંત તેનાથી અમારા દેવાં ઘટાડવામાં પણ મદદ મળશે.“
સપ્ટેમ્બર 30, 2019 સુધીમાં જીટીપીએલના ડિજિટલ પેઈંગ સબસ્ક્રાઈબર્સ 1,50,000 વધીને 72.5 લાખ રહ્યા હતા. નાણાંકીય વર્ષ 2020ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીએ 2,60,000 હોમ પાસ ઉમેર્યા હતા. સપ્ટેમ્બર 30, 2019 સુધીમાં હોમ પાસ કુલ 29.2 લાખ રહ્યા હતા. બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીએ 15,000 નેટ બ્રોડબેન્ડ સબસ્ક્રાઈબર્સ અને 11,000 એફટીટીએક્સ સબસ્ક્રાઈબર્સ ઉમેર્યા હતા. સપ્ટેમ્બર 2019 સુધી ગ્રાહક દીઠ વપરાશ મહિને 126 જીબી હતો જે ગત વર્ષે સપ્ટેમ્બરમાં માસિક 87 જીબી હતો. ડેટાના વપરાશમાં વાર્ષિક ધોરણે 45 ટકાનો વધારો થયો છે.