જીટીયુ ખાતે સોસાયટી ઓફ ફાર્માકોગ્નોસીનું ૨૫મું રાષ્ટ્રીય સંમેલન અને આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ યોજાઈ
અમદાવાદ, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસી (જીએસપી) અને સોસાયટી ઑફ ફાર્માકોગ્નોસીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં જીટીયુ ખાતે “ન્યૂ હોરિઝોન્ટ ઑફ નેચરલ પ્રોડક્ટસ એન્ડ આયુષ રેમેડિઝ” વિષય પર સોસાયટી ઑફ ફાર્માકોગ્નોસીનું ૨૫મું રાષ્ટ્રીય સંમેલન તથા ૨ દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ.
જેમાં જુદી – જુદી ૬ થીમ પર ૧૨ રાજ્યોના ૧૮૩ જેટલા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મિત્રોએ ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશન કર્યું હતું. કૉન્ફરન્સનો શુભારંભ ફાર્મસી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી મરાઠાવાડના કુલપતિ પ્રો. ડૉ. પ્રમોદ યેવલે અને જીટીયુના કુલપતિ અને સોસાયટી ઑફ ફાર્માકોગ્નોસીના પ્રમુખ પ્રો ડૉ.નવીન શેઠના હસ્તે કરવામાં આવ્યો હતો.
પ્રો. ડૉ. એન .એમ.પટેલને પોતાની સેવા બદલ લાઈફટાઈમ એચીવમેન્ટ અને નેચરલ રિસર્ચ પ્રોફેસર આયુષ મંત્રાલય અને યુજીસીના ભૂતપૂર્વ વાઈસ ચેરમેન ડૉ. ભૂષણ પટવર્ધનને મેરીટ ઓફ એક્સલન્સ એવોર્ડ-૨૦૨૧ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર , જીએસપીના ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણ અને સાલ ઈન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ ડૉ. રાકેશ પટેલ પણ આ પ્રસંગે હાજરી આપી હતી.
કૉન્ફરન્સનો શુભારંભ કરાવતાં ડૉ. પ્રમોદ યેવલેએ હર્બલ પ્રોડ્યૂક્ટર્સની ભારતીય માર્કેટમાં માંગ અને લોકોના સ્વાથ્ય સંબધીત તેની ઉપયોગીતા બાબતે માહિતી આપી હતી. ઉપરાંત ફાર્મસી કાઉન્સીલ ઑફ ઇન્ડિયા દ્વારા લેવાયેલા મહત્વના ર્નિણયો વિશે પણ ચર્ચા કરી હતી.
જ્યારે યુજીસીના ભૂતપૂર્વ વાઈસ ચેરમેન અને આયુષ મંત્રાલયમાં નેશનલ રિસર્ચ એડવાઈઝર પ્રો. ડૉ. ભૂષણ પટવર્ધને જણાવ્યું હતું કે, કોરોનાકાળ પછી ઔષધીય વનસ્પતિની માંગમાં ૨૦%નો વધારો નોંધાયો છે. મોર્ડન સાયન્સ પણ આયુષ સાથે સંકલન કેળવે છે. જેનાથી આયુર્વેદને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થશે.
વિશેષમાં આયુષ મંત્રાલય દ્વારા ટ્રેડિશનલ મેડિસિનના વિસ્તાર તેમજ સંવર્ધન માટે કરેલા પ્રયત્નો વિષે પણ તેઓએ જાણકારી આપી હતી . જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશનમાં વિજેતા પ્રતિસ્પર્ધીઓને સન્માનિત કરતા જણાવ્યું કે, જીટીયુ જીએસપી આગામી સમયમાં આયુષ મંત્રાલય સાથે વિવિધ રિસર્ચ સંબધીત વિષયો પર એમઓયુ કરીને મેલેરીયા અને કેન્સર જેવા રોગો પર રિસર્ચ કરશે.
આંતરાષ્ટ્રીય કૉન્ફરન્સના સફળ આયોજન બદલ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના તમામ સ્ટાફ ગણને જીટીયુના કુલપતિ અને કુલસચિવએ અભિનંદન પાઠવ્યા હતાં.HS