જીરાના પાકમાં ચરમી રોગ આવતા ખેડૂતોને નુકસાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Damage.jpg)
Files Photo
બનાસકાંઠા: બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં જીરાના પાકમાં ચરમી નામનો રોગ આવતા ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. વારંવાર નુકસાનથી કંટાળેલા ખેડૂતો હવે પોતાના ખેતરમાં વાવેલા જીરાના પાકની હોળી કરી રહ્યા છે. એટલે કે હોળી આવે તે પહેલા જ ખેડૂતો હવે પાકની હોળી કરી રહ્યા છે. આ વર્ષે ચોમાસામાં જરૂર કરતા વધારે વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.
હવે શિયાળું પાકોમાં વિવિધ રોગને કારણે નુકસાન થઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો જીરાનું વાવેતર કરે છે. પરંતુ આ વખતે વાવ પંથકમાં જીરાના પાકમાં ચરમી નામનો રોગ આવતા જીરાના પાકમાં ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે.
ખેડૂતો મોંઘુ બિયારણ અને ખાતર લાવી મહામહેનતે પાકનું વાવેતર કરતા હોય છે. પરંતુ વારંવાર નુકસાનન આવતા હવે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ દરમિયાન વાવ તાલુકાના બુકણા ગામમાં રહેતા ભાણાભાઈ મણવરે પણ તેમના ત્રણ એકર જમીનમાં જીરાનું વાવેતર કર્યું હતું.
તેમના ખેતરમાં પણ ચરમી નામનો રોગ આપતાં જીરાના પાકનો સફાયો થઈ ગયો છે. નુકસાનથી કંટાળેલા ખેડૂતે ખેતરમાં વાવેલા જીરાના પાકનો ઢગલો કરીએ હોળી કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ૧૫ દિવસ પહેલા પણ થરાદ તાલુકાના લેડાઉ ગામે પણ જીરાના પાકમાં નુકસાન થતાં ખેડૂતો પોતાના જ ખેતરમાં જીરાના પાકનો ઢગલો કરી હોળી કરી હતી. ખેડૂતો દિવસ-રાત મજૂરી કરી પાક તૈયાર કરતા હોય છે
પરંતુ આટલી મહેનત બાદ પણ જ્યારે પાકમાં નુકસાન થાય છે તેઓ ભાંગી પડે છે. આ કારણે તેઓ પોતાના જ ખેતરમાં પાકની હોળી કરી સરકાર અને કુદરત સામે પોતાનો આક્રોશ ઠાલવતા હોય છે. ઉલ્લેખનીય છે કે જીરાના પાકમાં જ્યારે રોગ આવે છે ત્યારે ખેડૂતો પાસે પાકને ફેંકી દેવા કે સળગાવી દેવા સિવાય કોઈ વિકલ્પ વધતો નથી. કારણ કે જે થોડો ઘણો પાક તૈયાર થયો હતો તેને જાે તૈયાર કરવામાં આવે તો ઉત્પાદન કરતા મજૂરી ખર્ચ વધી જાય છે. આથી ખેડૂતો પાકનો ઢગલો કરીને સળગાવી દેતા હોય છે.