Western Times News

Gujarati News

જીવદયા પ્રવૃત્તિ માત્ર નહીં પરંતુ જીવનનો હિસ્સો હોય તેવું જીવન જીવવું જોઈએ

“મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” જાહેર કરવા બદલ મુખ્યમંત્રીનો અભિવાદન સમારોહ

* ગુજરાત સરકાર જીવ માત્ર માટે દયા અને કરુણા એ પરંપરાને વરેલી છે…

* પ્રજા માટે શું સારું થઈ શકે ! તેનું સતત ચિંતન જ અમારો કર્મમંત્ર …

* ગૌમાતા સહિત તમામ અબોલ પશુધન પ્રત્યેની સેવા કરુણા અને સંવેદના રાજ્ય સરકારની અગ્રીમતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે,ગુજરાત સરકાર જીવ માત્ર માટે દયા અને કરુણા એ પરંપરાને વરેલી છે.
“મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” જાહેર કરવા બદલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન કરવાનો કાર્યક્રમ અમદાવાદમાં જૈન સંઘો, ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા યોજાયો હતો.

આ અભિવાદન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ જીવદયા પ્રવૃત્તિ માત્ર નહીં પરંતુ જીવનનો હિસ્સો હોય તેવું જીવન જીવવું તે સમયની માંગ છે એવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વધુ જણાવ્યું હતું કે, ગાય માતાનું મહાત્મ્ય આપણી સંસ્કૃતિમાં પણ વર્ણવાયું છે ત્યારે ગૌમાતા સહિત તમામ અબોલ પશુધન પ્રત્યેની સેવા કરુણા અને સંવેદનાને રાજ્ય સરકારે અગ્રીમતા આપી છે

તેમણે કહ્યું કે, અબોલ પશુઓને તેમની પીડામાંથી મુક્ત કરવા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં ‘પશુ આરોગ્ય મેળા’નું આયોજન કર્યું હતું, તે જ પુરવાર કરે છે કે તેમના હૃદયમાં અબોલ પશુઓ માટે અપાર પ્રેમ છે. ગુજરાત સરકારે આ પ્રક્રિયા કાર્યરત રાખી છે અને લાખો પશુઓને તેમની શારીરિક પીડામાંથી મુક્ત કર્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, ગૌહત્યા પ્રતિબંધનો કાયદો ગુજરાત લાવ્યું તેમા અનેક અડચણો આવી પરંતુ રાજ્ય સરકારની ઇચ્છાશક્તિને પગલે તેમાં આપણને સફળતા મળી છે. વિધાનસભામાં પશુ નિયંત્રણ કાયદો લાવવામાં કેટલાક તત્વો પશુધન સાથે સંકળાયેલા સમાજમાં રાજ્ય સરકાર માટે જાત જાતનો અપપ્રચાર કરવાનો પ્રયાસ કરે છે તે દુખદ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, પ્રજા માટે શું સારું થઈ શકે ! તેનું સતત ચિંતન જ અમારો કર્મમંત્ર છે. રાજ્ય સરકાર આ દિશામાં પરિણામલક્ષી કામગીરી કરી રહી છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર છેવાડાના માનવીના કલ્યાણ માટે સતત કાર્યરત છે એમ તેમણે ઉમેર્યું હતું.

શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી એ જણાવ્યું હતું કે, આજના દિવસે એક અનોખો સંયોગ સર્જાઈ રહ્યો છે. આજે હિંદુ નવા વર્ષની શરૂઆત, ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ અને આજે જીવદયા અભિવાદન સમારોહ આ ઈશ્વરનો સંયોગ જ હોય શકે.

શ્રી જીતુભાઈ વાઘાણીએ મહાજનની વ્યાખ્યા આપતા કહ્યું હતું કે, સેવાના ભાવથી વિના સ્વાર્થે કામ કરે અને સમાજ એને સ્વીકારે એનું નામ મહાજન. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજના દિવસે ભુપેન્દ્રભાઈના નેતૃત્વના શાસનના આજે 200 દિવસ પૂરા થયાં છે.

આ 200 દિવસની અંદર રાજ્યની જનતાની સુખાકારી માટેના અનેક નિર્ણયો અને પ્રજાકલ્યાણકારી નીતિઓ ઘડી ભુપેન્દ્રભાઈ લોકપ્રિય બન્યાં છે. આ 200 દિવસમાં ભુપેન્દ્રભાઈએ 61000 કિમીનો પ્રવાસ કર્યો છે અને 300 થી વધુ બેઠકો કરી. આ ઉપરાંત શ્રી જીતુભાઈએ જણાવ્યું હતું કે, ભુપેન્દ્રભાઈએ લીધેલી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ના લીધે નવી પાંજરાપોળો પણ ઊભી થઈ શકશે અને નવા પશુઓનો પણ નિભાવ થઈ શકશે.

આ પ્રસંગે શહેરી વિકાસ મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા, ધારાસભ્યશ્રીઓ બાબુભાઈ જમનાદાસ પટેલ, રાકેશભાઈ શાહ તથા શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અમિત શાહ, જૈનાચાર્ય શ્રેષ્ઠીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.