જીવદયા પ્રેમનું અનોખું અભિયાન ચલાવતા નિલેશ જોશી
અરવલ્લી:માણસને કોઈ પીડા, દુઃખ કે વેદના થાય તો બોલીને વ્યક્ત કરી શકે, કોઈની મદદ પણ માંગી શકે. પરંતુ પૃથ્વી પરના અસંખ્ય અબોલા- મૂંગા જીવોને જ્યારે કોઈ ઈજા થવાથી પીડા થાય ત્યારે એ પશુ પંખીઓની અસહ્ય વેદના કહેતો કહે કોણે ??? મૂંગા પશુ પંખીઓની અસહ્ય પીડા અને પારાવાર વેદનામાં નિલેશભાઈ સહભાગી બન્યા છે. જીવ દયા પ્રેમની સરાહનીય પ્રવૃત્તિ દ્વારા અત્યાર સુધીમાં નિલેશભાઈએ વેદનાથી કણસતા સેંકડો મુંગા પશુ પંખીઓની સારવાર કરી નવજીવન બક્ષ્યું છે. તેઓ સાથે વાત કરતાં આ માનવીય કાર્ય કર્યાનો અનેરો સંતોષ તેમની આંખોમાં ઉભરી આવે છે. નિલેશભાઈ જ્યારે પોતાનું દિલ ખોલે છે અને આ મુંગા પશુ પંખી ઓની વેદનાને પોતે વાચા આપે છે ત્યારે સાંભળતા જ હૃદય હચમચી જાય છે.
થોડા વર્ષો પહેલા ઉનાળા દરમિયાન મોડાસા નગરમાં ગોલ્ડન સર્કસ આવ્યું હતું. એ સર્કસમાં વાઘ, હાથી જેવા વન્ય પ્રાણીઓનો ખેલ માટે ઉપયોગ થતો. એ અરસામાં સમાચાર પત્રમાં સમાચાર છપાયા કે કોઈપણ વન્યપ્રાણીને ઈજા પહોંચાડી, પરેશાન કરી શકાય નહીં. આવું કરવું કાયદેસર ગુનો બને છે. આ સમાચાર મળતાં ગોલ્ડન સર્કસ વાળા વાઘનું પાંજરુ ખુલ્લા મેદાનમાં છોડી ત્યાંથી ચાલી નીકળ્યા.
ઉનાળાનો આકરા તાપમાં ખુલ્લા પાંજરામાં રહેલો વાઘ સહન કરી શકતો નહીં. એટલી ગરમીમાં દિવસો સુધી વાઘને કોઈએ પાણી શુદ્ધા કોઈએ પાયું નહીં. પાંજરૂ પણ એટલું નાનું હતું કે વાઘ મુક્ત રીતે પાંજરામાં ફરી શકે નહીં અને 45 ડિગ્રીમાં ગરમ થયેલું લોખંડનું પાંજરું વાઘને અડકતા, વાઘનું શરીર અનેક જગ્યાએથી દાજી ગયું હતું. ભૂખ્યો તરસ્યો વાઘ કણસતો હતો.
વાઘની દશા દયનિય હતી. શહેરના લોકોના ટોળે ટોળા વાઘ જોવા આવતા. પરંતુ વાઘના પાંજરાને કોઈ ઝાડના છાંયડામાં મુકવા કોઈ તૈયાર ન હતું. આ સમાચાર નિલેશભાઈને મળતા તેઓ વાઘના પાંજરા પાસે પહોંચ્યા. જોતા જ તેઓ પરિસ્થિતિ પામી ગયા. અને તેઓ પહોંચી ગયા કલેકટર કચેરી ખાતે. ફોરેસ્ટ ખાતા ની મદદ લઇ આ વાઘને જંગલમાં છોડવા માટે તેઓએ રજુઆત કરી પરંતુ જોઈએ એવો પ્રતિસાદ ન સાંપડ્યો.
બીજા દિવસે ફરી તેઓ તેના જવાબદાર અધિકારીની ઓફિસે પહોંચ્યા. અને એ દિવસે નક્કી કર્યું કે જો આ વાઘને યોગ્ય જગ્યાએ આજે ખસેડવામાં ન આવે ત્યાં સુધી અહીંથી ઘરે જવું નહીં. નિલેશભાઈ અધિકારીની સામે જ પલોઠી વાળી બેઠા. કલાકો વીત્યા પછી છેવટે કંટાળી એ અધિકારીએ વાઘને ત્યાંથી હટાવી જંગલના મુક્ત વાતાવરણમાં છોડી મુકવામાં આવ્યો.
આજે નિલેશભાઈને આ સમગ્ર પંથક એક સાચા જીવદયાપ્રેમી તરીકે ઓળખે છે. અહીં આસપાસ કોઈને પણ ઈજાગ્રસ્ત પામેલું અથવા કોઈ મુશ્કેલીમાં મુકાયેલું પશુ કે પંખી દેખાય તો તરત આસપાસના લોકો નિલેશભાઈનો સંપર્ક કરે છે. અને સમાચાર મળતાં જ નિલેશભાઈ પોતાના સઘળા કામ છોડી એ અબોલા પશુ પંખીનો જીવ બચાવવા તેની વહારે દોડી જાય ઉત્તરાયણ દરમિયાન આબાલવૃદ્ધ સૌ પતંગ ચગાવવાની મસ્તીમાં વ્યસ્ત હોય છે
ત્યારે નિલેશભાઈ અને તેઓની ટિમ દોરીથી ગવાયેલા પંખીઓની સારવારમાં વ્યસ્ત હોય છે. ઉત્તરાયણ પર્વ પૂરું થયા બાદ જ્યાં ત્યાં પડેલી ગૂંચવાયેલી દોરીમાં પક્ષીઓ ફસાઈ ઇજા પામતા હોય છે. ત્યારે નિલેશભાઈ શાળા કોલેજમાં જઈ વિદ્યાર્થીઓને રસ્તામાં પડેલી, તેમજ ઝાડ અને અન્ય જગ્યાએ ભરાયેલી દોરીને એકત્રિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ગત ઉત્તરાયણ દરમિયાન નિલેશભાઈ અને વિદ્યાર્થી મિત્રોએ મળીને 120 કિલોગ્રામ જેટલી જ્યાં ત્યાં પડેલી આવી દોરી એકત્રિત કરી તેને સળગાવી તેનો નાશ કર્યો હતો.
કુતરાઓમાં જોવા મળતો ખસ નામનો રોગ કૂતરાઓને અસહ્ય વેદના આપતો હોય છે. આ રોગમાં કુતરાના શરીર ઉપર અસહ્ય ખંજવાળ આવતી હોય છે. ખંજવાળવાથી કુતરાની ઉપરની ચામડી પણ નીકળી જતી હોય છે. આ રોગના નિવારણ માટે નિલેશભાઈ અને તેઓના મિત્રો ખસમાં રક્ષણ આપતી દવા લઈને નીકળી પડે છે. જ્યા પણ આ રોગ ધરાવતું કૂતરું નજરે પડે તો તેને આ દવા પીવડાવે છે. આજ સુધીમાં 1500 ઉપરાંત કૂતરાઓને આ દવા તેઓ પીવડાવી ચૂક્યા છે અને ખસ મુક્ત કર્યા છે.
નિલેશભાઈના મિલનસાર સ્વભાવ થકી તેઓ મોડાસામાં તમામ સમુદાયમાં લોકપ્રિય છે. તેઓ જ્ઞાતિ- જાતિ-ધર્મની વાડ ઓળંગી તમામના ઉટકર્ષ માટે યોગદાન આપી રહ્યા છે. મોડાસા વસતા મુસ્લિમ બિરાદરો પણ નિલેશભાઈને આદરપૂર્વક સન્માન આપે છે. તેઓએ મોડાસાની મુસ્લિમ બહેનો માટે સ્વરોજગાર કેમ્પનું આયોજન કરી આ બહેનો આત્મનિર્ભર બને એ માટે પ્રયત્નો કર્યા છે. મોડાસા જેવા શહેરમાં નિલેશભાઈ એ કોમી એખલાસ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નિલેશભાઈ જ્યારે મોડાસા નગર રથયાત્રાના પ્રમુખ બન્યા ત્યારે જાહેરમાં મુસ્લિમ બિરાદરોનું સ્વાગત અને સન્માન કર્યું. અને રથયાત્રા દરમ્યાન આ મુસ્લિમ બિરાદરોએ પણ રથયાત્રામાં ભાગ લેતાં તમામ નાગરિકોને આઈસક્રીમનું વિતરણ કરી સર્વધર્મ સમભાવ નું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું.
એવી જ રીતે મુસ્લિમોના મોહરમ દરમિયાન તાજીયા જુલુસમાં પણ નિલેશભાઈ અચૂક હાજરી આપે. રમજાનના પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ બિરાદરોને ઈતિહાર પાર્ટીમાં પણ ઉપસ્થિત રહી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડતા રહે છે. મુસ્લિમ સમુદાયમાં દીકરીઓના સાક્ષરતા પ્રમાણે વધારવામાટે નિલેશભાઈ મુસ્લિમ દીકરીઓને પ્રતિવર્ષ પુસ્તકનું વિતરણ કરતા રહ્યા છે. આ ઉપરાંત લુહાર મુસ્લિમ સમુદાયના સમૂહ લગ્નમાં પણ નિલેશભાઈએ આગળ પડતું કાર્ય કરી ગરીબ મુસ્લિમ દીકરીઓના આર્શીવાદ પામ્યા છે.
સરસ્વતી બાલમંદિર મંડળના તેઓ સતત ચોથી ટર્મ પ્રમુખ તરીકે ચૂંટાયા છે. શાળાના વિદ્યાર્થીઓમાં કોમી એકતાના સંસ્કારોનું સિંચન થાય તે માટે કરીમિયા શાળાના પ્રમુખ લતીફ ઝાઝ સાથે મળી એક નવતર પ્રયોગ પણ તેઓએ કર્યો. જે પ્રયોગ અંતર્ગત સરસ્વતી બાલમંદિર શાળાના બાળકો એક સપ્તાહ કરમિયા શાળામાં અભ્યાસ કરવા જાય અને કરમિયા શાળાના મુસ્લિમ વિદ્યાર્થીઓ સરસ્વતી શાળામાં અભ્યાસ કરવા માટે આવે. આ પ્રયોગને વિદ્યાર્થી, વાલી અને શિક્ષકો તરફથી અપ્રતિમ પ્રતિસાદ મળ્યો. જમાત એ ઇસ્લામી ઈદ એ મિલાદ જેવા કાર્યક્રમોમાં મુસ્લિમ આગેવાનો નિલેશભાઈ ને વક્તા તરીકે આમંત્રે છે.
નિલેશભાઈ તેમના મિત્ર અમિત કવિ સાથે મળી દિવ્યાંગો, વંચિતો અને આશ્રિતો માટે સરાહનીય કાર્ય કરી રહ્યા છે. દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન આપવા માટે તેઓ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં સતત પ્રવાસ કરતા રહે છે. દિવ્યાંગ બાળકો પણ નિલેશભાઈને મળી પોતાના મોટાભાઈને મળતા હોય તેઓ અહેસાસ અનુભવે છે.
પર્યાવરણના જતન માટે પણ પર્યાવરણ પ્રેમી નિલેશભાઈએ અમૂલ્ય યોગદાન આપ્યું છે. દર વર્ષે તેઓ ઘરે ઘરે જઈ 1000 જેટલા તુલસીના છોડનું વિતરણ કરતા રહ્યા છે. જન્મદિવસની ઉજવણી તેઓ વૃક્ષ વાવીને કરે છે. ઉનાળા દરમ્યાન પશુ-પંખીઓને પીવાના પાણી માટે કૂંડાઓના વિતરણ પણ તેઓ કરતા રહ્યા છે.
આ ઉપરાંત અરવલ્લીના અંતરિયાળ ગામડાઓમાં સર્વરોગ નિદાન કેમ્પ, મોતિયા કેમ જેવા તબીબી કેમ્પોનું આયોજન કરી છેવાડાના માનવી સુધી તબીબી સારવાર પહોંચાડવાના તેઓ અથાગ પરિશ્રમ કરી રહ્યા છે.
અરવલ્લી અને મોડાસાના વિકાસ માટે તેઓ એક જાગૃત નાગરિકની ભૂમિકા અદા કરવાનું ક્યારેય ચૂક્યા નથી. મોડાસા નગરપાલિકાના તેઓ કોર્પોરેટર રહી ચૂક્યા છે. અને મહત્વના હોદ્દાઓ પણ તેઓ સંભાળી ચૂક્યા છે. આવેદનપત્રો દ્વારા પ્રશાસનના કાન આમળી, પ્રજાના પ્રશ્નોને તેઓ સતત વાચા આપતા રહે છે.
નિલેશભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતું વ્યક્તિત્વ છે. અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓએ સેવા પ્રવૃત્તિઓની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ તેઓને વિવિધ એવોર્ડ્સ આપી સન્માનિત કર્યા છે. તેઓ આજે અનેક પ્રતિષ્ઠિત પદ શોભાવી રહ્યા છે. જેમાં તેઓ જમીન વિકાસ બેંકના ડિરેક્ટર છે. જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે.
મોડાસા કોલેજ ના કારોબારી સદસ્ય છે. લીંબોઈ ફળ-ફળાદિ સેવા સહકારી મંડળીના તેઓ ચેરમેન છે. મારુતિ પિયત મંડળીના તેઓ ચેરમેન છે. જેસીસ મિલ્ક કમિટીના સલાહકારનું પદ તેઓ શોભાવી રહ્યા છે. શબ્દસેતુના તેઓ સલાહકાર છે. અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર હોવા છતાં નિરાભિમાની, સાલસ, સહજ સરળ સ્વભાવ નિલેશભાઈના વ્યક્તિત્વને અધિક નિખારે છે.
નિલેશભાઈ મોડાસા અરવલ્લી પ્રદેશના મૂકસેવક તરીકેની અપેક્ષા રહિત જનસેવામાં અવિરત પ્રવૃત્ત છે. સેવા, શિક્ષણ, સામાજીક, ધાર્મિક સંસ્થાઓમાં સેવાઓમાં સક્રિય છે. તેઓની તમામ રચનાત્મક પ્રવૃત્તિઓનો પરિચય માત્ર એક આર્ટિકલમાં થોડા શબ્દોમાં સમાવવો શક્ય નથી. તેઓશ્રીની સેવા સુશ્રુષાની સુવાસ આ સમસ્ત અરવલ્લી પંથકને સુવાસિત કરી છે