જીવદયા પ્રેમી સંસ્થાઓના આગેવાનો દ્વારા રાજ્યપાલને વ્યાખ્યા ગ્રંથ ‘યશોલતા’ અર્પણ
ગુજરાતભરના જીવદયા પ્રેમી સંસ્થાઓના આગેવાનો દ્વારા ગુજરાતના નવા વરાયેલા મહામહિમરાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે રાજભવન ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત થઈ હતી. ગુજરાતની ધરતી સંસ્કૃત અને સંસ્કૃતિ પ્રેમી વિરાટ વ્યક્તિત્વ ધરાવતા મહાનુભાવની રાજભવનમાં મહામહિમ રાજ્યપાલ તરીકેની નિમણુંકના કારણે ગુજરાતના જીવદયા પ્રેમી જનતા ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે તેવી અભિવ્યક્તિ વ્યક્ત કરી હતી.
રાજ્યપાલશ્રીની સાથે મુલાકાતમાં ભારતની પુણ્ય ભૂમિ પરથી જીવંત પશુઓની નિકાસ પર કાયમી પ્રતિબંધ મુકાવવાની રજુઆત કરી હતી. આ ઉપરાંત કરુણા સંસ્થાન – શ્રીજી ગૌશાળા – રાજકોટ દ્વારા ચાલી રહેલી સેવા પ્રવૃત્તિની જાણકારી રાજ્યપાલશ્રીને આપવામાં આવી હતી.
આ તબક્કે માત્ર ૨૧ વર્ષની વયના જૈન મુનિ શ્રી ભક્તિયશવિજયજી મહારાજ દ્વારા આલેખિત વિશ્વના વિશાળ વ્યાખ્યા ગ્રંથ ‘યશોલતા’ મહામહિમ રાજ્યપાલશ્રીને અર્પણ કરવામાં આવેલ હતો.ઉલ્લેખનીય છે કે ૧૮મી સદીના વિદ્વાન સર્વતંત્ર સ્વતંત્ર પંડિત ધર્મદત્ત્। ઝા જેઓ બચ્ચા ઝા ના નામે પ્રખ્યાત હતા તેમણે ૪૧ પાનાનો ૯૦૦ શ્લોક ધરાવતો આ ગ્રંથ લખ્યો હતો. નામ પ્રમાણે જ આ ગ્રંથ એટલો ગૂઢ છે કે તેને ઉકેલવામાં આટલા વર્ષોથી મહાન વિદ્વાનો પણ અસમર્થ રહ્યાં હતા. ૯૦૦ શ્લોકનું વિવેચન ૯૦,૦૦૦ શ્લોકમાં થયું. માત્ર ૪૧ પાનાના પુસ્તકમાંથી ૪૫૦૦ પાનાનો ૧૪ ભાગમાં વહેંચાયેલો ગ્રંથ તૈયાર થયો. આ નવા સંસ્કૃત વિવેચન ગ્રંથને ભકિતયશવિજયજીએ પોતાના ગુરુ યશોવિજયસૂરીશ્વરજીના નામ પરથી ‘યશોલતા‘ નામ આપ્યું છે. મહામહિમ રાજયપાલશ્રીએ પૂજ્યશ્રીના જ્ઞાનસર્જનને ભાવ સભર અનુમોદના કરી હતી.
મહામહિમ રાજ્યપાલશ્રી સાથેની શુભેચ્છા મુલાકાતમાં જીવ જંતુ પ્રત્યેની સંવેદનાના વિચારોનું આદાન – પ્રદાન સિનિયર એડવોકેટ શ્રી કમલેશભાઇ શાહ, પ્રતિક સંઘાણી, મિત્તલ ખેતાણી,રાજુભાઇ શાહ, હરેશભાઇ શાહ, અભયભાઈ શાહ અને સ્નેહલભાઈ શાહે કર્યું હતું।