જીવરાજ બ્રિજ પાસેથી એસઓજીની ટીમે હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે યુવકને ઝડપી લીધો
યુવક વેચવા તેમજ પીવા માટે ગાંજાનો જથ્થો ડ્રગ્સ માફિયા પાસેથી લાવ્યો હતો
અમદાવાદ,
શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓને સ્પેશિયલ ટાસ્ક આપવામાં આવ્યો છે. શહેરના યુવાઓ હાઈબ્રિડ ગાંજા, એમડી, કોકેન, હેરોઈન સહિતના ડ્રગ્સના આદી બનતા જાય છે. જેને રોકવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે. ગઈકાલે સ્પેશિયલ ગ્રુપની ટીમે જીવરાજબ્રિજ પાસેથી હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક યુવતી ધરપકડ કરી છે. એસઓજીએ ૮૧ હજારની કિંમતનો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે અને તે ડ્રગ્સ માફિયા પાસેથી વેચવા તેમજ પીવા માટે લાવ્યો હતો.
એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, જીવરાજબ્રિજ સામે આવેલા તિરૂપતિ કોમ્પલેક્ષ પાસે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમ ઊભી હતી ત્યારે એક શંકાસ્પદ યુવક ત્યાંથી પસાર થયો હતો. એસઓજીને શંકા જતાં તેની અંગજડતી કરી હતી. એસઓજીને યુવક પાસેથી હાઈબ્રિડ ગાંજો જેવો પદાર્થ મળી આવ્યો હતો. એસઓજીએ તરત જ તેમના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. યુવકનું નામ દર્શન મેવાડા છે અને તે તિરૂપતિ કોમ્પલેક્ષમાં રહે છે.
દર્શનની અટકાયત કરીને એસઓજી કચેરીમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેની આગવી સ્ટાઈલથી પૂછપરછ થઈ હતી તો બીજી તરફ એસઓજીની ટીમે એફએસએલને જાણ પણ કરી દીધી હતી. એફએસએલની ટીમ તરત જ એસઓજી કચેરી પહોંચી ગઈ હતી જ્યાં દર્શન પાસેથી મળી આવેલા પદાર્થનું પરીક્ષણ કર્યું હતું. પરીક્ષણ દરમિયાન સામે આવ્યું હતું કે,તે હાઈબ્રિડ ગાંજો છે.એસઓજીએ દર્શનની ધરપકડ કરી હતી અને તે ગાંજાનો જથ્થો કોની પાસેથી લાવ્યો તે મામલે પૂછપરછ શરૂ કરી હતી.
દર્શને પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, ગાંજાનો જથ્થો માયાભાઈ પાસેથી લાવ્યો હતો. એસઓજીએ ક્રાઈમ બ્રાન્ચમાં દર્શન અને માયાભાઈ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. એસઓજીએ દર્શન પાસેથી ૮૧ હજારની કિંમતનો ર૭ ગ્રામ હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે. માયાભાઈની ધરપકડ બાદ હાઈબ્રિડ ગાંજાના નેટવર્કનો વધુ પર્દાફાશ થાય તેવી શક્યતા છે.