જુદાં જુદાં વિસ્તારોમાંથી ચોરાયેલી ૩૨ સાયકલોનાં ભેદ ઊકેલતી વાસણા પોલીસ

File Photo
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં ચોરીનાં બનાવો વધી જતાં લોકલ પોલીસ સક્રિય થઈ છે અને ચોરીનાં આરોપીઓ સામે લાલ આંખ કરી છે. ત્યારે વાસમા પોલીસની સક્રીયતાને કારણે શહેરનાં જુદાં જુદાં વિસ્તારોમાં સાયકલો ચોરતો એક શખ્સ પકડાયો છે. જેની તપાસ દરમિયાન પોલીસે ૩૩ સાયકલો કબ્જે કરી છે.
આ અંગેની વિગત એવી છે કે વાસણા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સી.આર.રાવળ પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન તેમને એક ચોરની બાતમી મળી હતી.
જેનાં આધારે ટીમ સાથે તેમણે વોચ ગોઠવીને પ્રેમાભાઈ ઉર્ફે પ્રેમો ઉર્ફે આદુ ઈશ્વરભાઈ બાવરી (રહે.ગણેશનગર, વાસણા તથા ગુલબાઈ ટેકરા)ને ઝડપી લીધો હતો. પ્રેમા પાસેથી ચોરીની સાયકલો મળી આવી હતી. જેને આધારે તેની કડક પૂછપરછ કરતાં તેણે જુદાં જુદાં વિસ્તારોમાંથી ઘણી સાયકલો ચોરી કર્યાનું કબુલ કરતાં ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. અને જુદાં જુદાં વિસ્તારોમાંથી કુલ ૧.૩૨ લાખ રૂપિયાથી વધુ કિંમતની ૩૩ સાયકલો કબ્જે કરી હતી.
આ અંગે પીએસઆઈ રાવલે જણાવ્યું હતું કે, આરોપી નશો કરવાની ટેવવાળો છે. મોટાભાગે સાયકલોનાં લોક તોડીને ચોરી કરતો હતો. એલીસબ્રીજ તથા સેટેલાઈટ વિસ્તારોમાંથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ ચોરાયેલી સાયકલો કોઈને વેચી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.