જુનાગઢના વડાલમાં હિમાલયા કેન્સર હોસ્પિટલનુ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન
જુનાગઢ તા.૦૬, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના સંવેદના સ્પર્શી જનઆરોગ્યના નિર્ણયોની ફળશ્રુતિ જણાવતા કહ્યુ કે, ભારત આયુષ્માન પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને મા અમૃતમ્-વાત્સલ્ય યોજનાને સંયોજિત કરી રાજ્યના ૭૦ લાખ પરિવારોને પ્રાથમિક તબક્કાએ આરોગ્ય કવચથી રક્ષિત કરવાની દિશામા સરકાર આગળ વધી રહી છે.
જુનાગઢના વડાલમા વતન પ્રેમી કોરાટ તબીબ દંપતિ દ્વારા સેવાભાવથી નિર્મિત હિમાલયા કેન્સર હોસ્પીટલનુ ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીશ્રીએ કહયુ કે, છેવાડાની મોટી હોસ્પીટલોને આરોગ્ય યોજનાઓમા રજીસ્ટરર્ડ કરીને ગરીબોથી માંડીને વંચિતો એમ તમામ નાગરિકોનુ તંદુરસ્ત આરોગ્ય જળવાય તેવી સરકારની નેમ છે. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમા વધુમાં કહ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ છે કે દેશના દરેક જિલ્લામાં મેડીકલ કોલેજ બને.
રાજ્ય સરકાર તંદુરસ્ત સમાજના નિર્માણમા હર હંમેશ કાર્યરત છે ત્યારે હવે નવા જિલ્લાઓમાં પણ મેડીકલ કોલેજ શરૂ કરીને વડાપ્રધાનશ્રીની આ સંકલ્પના સાકાર કરાશે. ગુજરાતના યુવાનોને રાજ્યમાં જ મેડિકલ શિક્ષણ મળી રહે તે માટે મેડિકલ કોલેજીસમાં બેઠકો વધારવાની ૫૪૦૦ કરવામાં આવી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગ્રામ્ય વિસ્તારમા પણ અદ્યતન અને સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલ બને તે માટે ગ્રીન ફીલ્ડ અને બ્રાઉન ફીલ્ડ બને તે માટે મેડીકલ પોલીસીની હિમાયત કરતા કહ્યુ કે, આ યોજનામાં હોસ્પીટલોને પ્રોત્સાહિત કરવા વીજ બીલથી માંડીને વ્યાજ માફીના લાભ અપાશે. વડાલ જેવી આવી હોસ્પીટલમાં સંકલન કરીને ગરીબ દર્દી જો પૈસા વગર હોસ્પીટલમા દાખલ થાય તો તેમને એકપણ પૈસાનો ખર્ચ ન થાય તે દિશામા અમારી સરકાર કામ કરી રહી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ હતુ.
મુખ્યમંત્રીશ્રીએ વડાલમાં દક્ષિણ સૌરાષ્ટ્રની પ્રથમ કેન્સર હોસ્પીટલ શરૂ કરીને દર્દીઓ અને સગાઓ માટે રહેવા જમવાની નિઃશુલ્ક સુવિધા આપવાની પ્રતિબદ્ધતા બદલ ડૉ.રાજેશ કોરાટને અભિનંદન આપ્યા હતા. આ હોસ્પીટલમા દેશમા બહુ જુજ પ્રમાણમા છે તેવા તબીબી સાધનો વસાવવા બદલ પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ફીટ ઇન્ડીયા જન આંદોલનમા જોડાવા, દરીદ્ર નારાયણની સેવામા સરકાર અને સામાજિક સંસ્થાઓ સાથે મળીને નોધારાનો આધાર બને તે માટે અનુરોધ કરી ગુજરાત જન આરોગ્ય અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે નવા આયામો પ્રસ્થાપિત કરી રહ્યુ છે તેની સાથે આરોગ્ય ક્ષેત્રે રૂ. ૧૫૦૦ કરોડના બજેટની ફળશ્રુતિ કહી હતી.
પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યુ હતુ કે, માણાવદર, કુતિયાણા થી લઇને ધોરાજી અને સોરઠનુ કેન્દ્ર બીંદુ જુનાગઢ જિલ્લો છે. તેમણે સૌ કોઇને વ્યસન છોડવા અપીલ કરી હતી. આ હોસ્પીટલ નજીકના વિસ્તારના લોકો માટે ઉપયોગી બનશે. વડાલમાં હોસ્પીટલ શરૂ કરવા બદલ કોરાટ દંપતિને અભિનંદન પાઠવ્યા હતા.
ભેસાણ તાલુકાના વતની અને વડોદરા સ્થિત તથા હોસ્પિટલ શરૂ કરનાર ડૉ.રાજેશ કોરાટે જણાવ્યુ હતુ કે, સોરઠના ૭ જિલ્લા અને ૭૦ લાખની વસતી ધરાવતા આ પ્રદેશના લોકોને કેન્સર જવી અસાધ્ય બીમારી માટે માદરે વતનથી દુર ના જવુ પડે એ આશય હિમાલયા કેન્સર હોસ્પિટલની સ્થાપનાનો છે. તેમણે ઉમેર્યુ હતુ કે, ૧૬૦ બેડ ધરાવતી આ અતિઆધુનિક સુવિધા ધરાવે છે.
દર્દી તથા તેની સાથે આવનાર સ્વજનોને પણ હોસ્પિટલમાં નિઃશુલ્ક રહેવા-જમવાની સુવિધા મળનાર છે. આ તકે શાબ્દિક સ્વાગત કરતા જિલ્લા અગ્રણી શ્રી કિરીટભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, સોરઠની આ પ્રથમ કેન્સર હોસ્પીટલ સોરઠવાસીઓ માટે દર્દીઓ માટે ઉપયોગી નિવડશે. આ તકે શ્રી કિરીટભાઇ પટેલે ગુજરાતની વિવિધ યોજનાઓ સુજલામ સુફલામ યોજના, કરૂણા અભિયાન, તમાકુ મુક્ત ગુજરાત, પ્લાસ્ટીક ફ્રિ ગુજરાત સહિતની યોજનાઓનો ઉલ્લેખ કરી સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીના નિર્ણયોથી થયેલા ફાયદાની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે મહંતશ્રી શેરનાથબાપુ, જુનાગઢના સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, પોરબંદરના સાંસદશ્રી રમેશભાઇ ધડુક, જુનાગઢના મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સેજાભાઇ કરમટા,શ્રીશશીકાંતભાઇ ભીમાણી,ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ, કલેક્ટર ડૉ.સૌરભ પારઘી, એસ.પી. શ્રી સૌરભસિંઘ,દાતાશ્રી રંજનબેન કોરાટ તેમજ જિલ્લાના અગ્રણીઓ, કાર્યકરો, મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ અને વડાલના ગ્રામજનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
જુનાગઢમા ચાલુ કાર્યક્રમમા અસ્વસ્થ થયેલ મહિલાને પ્રાથમિક સારવાર મળે તે માટે
સંવેદના દાખવતા શ્રીમતી અંજલીબેન રૂપાણી.
જુનાગઢ, જુનાગઢમાં મુખ્યમંત્રીશ્રીના ચાલુ કાર્યક્રમમાં સ્ટેજ પાસે ડી ઝોનમાં હોસ્પીટલના એક મહિલા કાર્યકર્તા નબળાઇને લીધે અસ્વસ્થ થઇ જતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું પ્રવચન ચાલુ હતુ તે દરમ્યાન મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્નિ શ્રીમતી અંજલીબેન રૂપાણીએ સંવેદના દાખવી તેમને જરૂરી પ્રાથમિક સારવાર મળે તે માટેની વ્યવસ્થા કરાવી હતી. જોકે, થોડો સમયમા તેમને રાહત થઇ હતી. શ્રીમતી અંજલીબેનના આ સંવેદનાસ્પર્શી અભિગમને સૌએ આવકાર્યો હતો. આ સમયે મહિલા પોલીસ અધિકારીએ પણ તેઓને મદદ કરી હતી.