જુનાવાડજમાં બુટલેગરોનો આંતકઃ યુવાનને ઢોરમાર મારી છરીથી હુમલો કરાતાં સનસનાટી
યુવાન પોલીસને બાતમી આપતો હોવાની શંકાના પગલે બનેલી ઘટના |
(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના જુના વાડજ વિસ્તારમાં સોરાબજી કમ્પાઉન્ડમાં જાહેર રોડ પર બુટલેગરોએ એક યુવાનને ઢોરમાર મારી છરીથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા સનસનાટી મચી ગઈ હતી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ અંગેની વિગત એવી છે કે જુનાવાડજ વિસ્તામાં સોરાબજી કમ્પાઉન્ડ પાસે આવેલા મહાદેવના મંદિર નજીક રહેતો ર૦ વર્ષની વયનો શનિ રમેશભાઈ તોલાણી નામનો યુવાન ગઈકાલે સાંજે છ વાગ્યાના સુમારે પોતાના ઘરેથી નીકળ્યો હતો.
શનિ મહાદેવના મંદિર પાસેથી પસાર થઈ રહયો હતો
ત્યારે અની રાજી ભાટીયા નામનો શખ્સ અગાઉથી જ મહાદેવના મંદિર પાસે છરી સાથે ઉભો હતો જેવો શનિ ત્યાં પહોંચ્યો કે તરત જ અનીએ તેને રોકી સીધી જ ગાળાગાળી શરૂ કરી હતી હજી શનિ કંઈ પણ વિચારે તે પહેલા જ અની આ યુવાન પર તૂટી પડયો હતો અને છરીથી હુમલો કરી જમણા હાથના ભાગે ઈજા પહોચાડી હતી અને તેના કપડા પણ ફાડી નાંખ્યા હતા શનિ આ શખ્સની ચુંગલમાંથી છુટી તેના ઘર તરફ દોડી ગયો હતો અને ઘરે જઈ તેની માતાને આ અંગે જાણ કરી હતી.
ત્યારબાદ બંને માતા પુત્ર અનીને મળવા અને હુમલો શા માટે કર્યો તે પૂછવા માટે ફરી પચદેવના મંદિર નજીક આવ્યા હતા જયારે માતા- પુત્ર આવ્યા ત્યારે અની સાથે તેનો ભાઈ જીતુ રાજી ભાટીયા અને આ જ વિસ્તારમાં આવેલા ઓડાના મકાનમાં રહેતો કાળીયો આ સ્થળે આવી ગયા હતા અને હજી શનિ અને તેની માતા આ શખ્સો સાથે કંઈ પણ વાતચીત કરે તે પહેલા ત્રણેય શખ્સો શનિને માર મારવા લાગ્યા હતા અને છરીથી હુમલો કરી તેની પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી શનિને ઢોરમાર મારી છરીથી ઈજાઓ પહોંચાડી જીતુ, અની અને કાળીયો ત્રણેય નાસી છૂટયા હતા.
લોકોની અવરજવરથી ધમધમતાં આ વિસ્તારમાં સમી સાંજે યુવાન પર હુમલાનો બનાવ બનતાં આ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને જાતજાતના તર્ક વિતર્કો પણ વહેતા થયા હતા બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોચી ગયો હતો પોલીસે ટોળાને વીખેરી નાંખી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડયો હતો.
પોલીસ તપાસ દરમિયાન એવી માહિતી જાણવા મળી હતી જીતુ ભાટીયા દારૂ વેચવાનો ગેરકાયદેસર ધંધો કરે છે ત્રણેક મહિના અગાઉ જીતુ ભાટીયાના અડ્ડા પર પોલીસે દરોડો પાડયો હતો. જીતુ ભાટીયાની આ અસામાજિક પ્રવૃતિ અંગે પોલીસને જાણ કરી હોય અને તેની બાતમીના આધારે જ પોલીસે દરોડો પાડયો હોવાની જીતુને શનિ પર શંકા હતી આ શંકાના કારણે જ ઉપરોકત ઘટના બની હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.
બુટલેગરો ધ્વારા સરેઆમ જાહેર રોડ પર યુવાન પર હિંસક હુમલો થતા આ વિસ્તારના રહિશોમાં પણ રોષની લાગણી જન્મી છે પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની ઝીણવટભરી કાર્યવાહી શરૂ કરી છે.