જુહાપુરામાંં પત્નીની જીભ કાપી પતિ ફરાર
બેકાર પતિનું કૃત્યઃ ગંભીર હાલતમાં પરિણીતાને હોસ્પીટલમાં ખસેડાઈ |
અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધતી જતી ગુનાખોરીને કારણે પોલીસ તંત્ર એલર્ટ પર છે ત્યારે શહેરના જુહાપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારો બનાવ બન્યો છે.
જેમાં પતિ-પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી થતાં ઝઘડામાં મોડી રાત્રે પતિએ પત્નીની જીભ કાપી નાંખી ઘરને તાળુ મારી ભાગી છૂટતા સનસનાટી મચી જવા પામી છે. ગંભીર હાલતમાં પત્નીએ બુમાબુમ કરી પાડોશીઓને જગાડતા તેને બહાર કાઢવામાં આવી હતી. અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં તાત્કાલિક તબીબોએ પરિણીતાની સારવાર શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના જુહાપુરા પોલીસ વિસ્તારમાં મોમીન પાર્ક પાસે આવેલા મેહરાજ ફલેટમાં અય્યુબભાઈ મનસુરી તેમના પત્ની તસલીમ સાથે રહે છે. તસ્લીમ પાલડી વિસ્તારમાં આવેલી એક ગાયનેક હોસ્પીટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. તસ્લીમના અગાઉ લગ્ન થયા હતા
પરંતુ ત્યારબાદ છૂટાછેડા થઈગયા હતા. બીજી બાજુ ઐય્યુબભાઈના પણ અગાઉ લગ્ન થયા હતા અને ત્યારબાદ છૂટાછેડા થયા હતા. આ દરમ્યાનમાં અય્યુબભાઈના લગ્ન તસ્લીમ સાથે થયા હતા. પતિ-પત્ની વચ્ચે પ્રારંભમાં ત્રણ-ચાર મહિના બરાબર ચાલતું હતુ. પરંતુ ત્યારબાદ બંન્ને વચ્ચે અવારનવાર ઝઘડો થવા લાગ્યો હતો. ઐય્યુબભાઈ કોઈ કામકાજ કરતો નહોતો. અને બેકાર બેસી રહ્યો હતો. જેના પરિણામે તસ્લીમે તેને કામકાજ કરવા અંગે કહેતા માર મારતો હતો.
પતિ-પત્ની વચ્ચેના ઝઘડા ચાલતા આ દરમ્યાનમાં ગઈકાલે રાત્રે તસ્લીમ ઘરે હતા ત્યારે તેનો પતિ અય્યુબ ઘરે આવી પહોંચ્યો હતો. અને રાત્રે અગીયાર વાગ્યે તેઓ સુતા હતા ત્યારે તસ્લીમ સાથે વાતચીત શરૂ કરી હતી અને તેની જીભ બતાવવા જણાવ્યુ હતુ.
જેથી નિઃસ્વાર્થભાવે પતિના પ્રેમાળ વચનોમાં આવી જઈને પોતાની જીભ બહાર કાઢતા જ આ તકનો લાભ ઐય્યુબે ઉઠાવ્યો હતો અને પોતાની પાસે રહેલી છરી કાઢી હતી અને પત્નીની જીભ પકડી રાખી તેને છરીથી કાપી નાંખતા તસ્લીમના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યુ હતુ. અને તેણે બુમાબુમ કરી મુકી હતી.
ત્યારબાદ ઐય્યુબ બહારથી દરવાજાને તાળુ મારી ભાગી છુટ્યો હતો. ગંભીર હાલતમાં તસ્લીમે ઐય્યુબના અગાઉની પત્નીના પુત્રને તથા પોતાની બહેનને વિડીયોકોલ કરી પોતાની સથિતિ જણાવી હતી. દરમ્યાનમાં આસપાસના પાડોશીઓેએ ભેગા થઈને તસ્લીમને બહાર કાઢી હતી. અને તાત્કાલીક તેણે એસવીપી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.
પરિણીતાની હાલત જાઈને તબીબો ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક તેની જીભ ઉપર સર્જરી કરવામાં આવી છે. બીજી બાજુ ઘટનાની જાણ થતાં વેજલપુર પોલીસ સ્થળ પર પહોંચી જઈ અને ભાગી છૂટેલા ઐય્યુબને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. પોલિસે આ ઘટના બન્યા બાદ આસપાસના લોકોના નીવેદનો લઈને વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં પરણિત મહિલાઓ વિરૂધ્ધ અત્યાચારના બનાવો વધી રહ્યા છે અને ખાસ કરીને ઘરેલુ હિંંસાના બનાવો પણ વધી રહ્યા છે. જા કે પત્નિની જીભ કાપવાનો કિસ્સો સાંભળીને પોલિસ તથા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.